News Inside/ 8 July 2023
..
અમરનાથ યાત્રા। ભારે વરસાદ અને ખરાબ હવામાનને કારણે ભારતની પ્રસિદ્ધ અમરનાથ યાત્રા પર હાલમાં રોક લગાવવામાં આવી છે. જેને કારણે અનેક શ્રદ્ધાળુઓ બાબા અમરનાથની યાત્રાના માર્ગ પર અટવાઈ ગયા છે. જેમાં અમરનાથની યાત્રા દરમિયાન ગુજરાતના કેટલાક શ્રદ્ધાળુઓ ફસાયા છે. સુરતના 10થી વધુ લોકો જમ્મુ-કાશ્મીરમાં ખરાબ વાતાવરણ હોવાને કારણે અટવાયા છે. તો વડોદરાના પણ 20 જેટલા લોકો યાત્રામાં ફસાયા છે. ભારે વરસાદના કારણે યાત્રાળુઓનો સામાન પણ ભીંજાયો છે. આ તમામ ગુજરાતી યાત્રાળુઓ અમરનાથના પંચતરમાં ફસાયા હોવાના અહેવાલ સામે આવ્યા છે.
અમરનાથની યાત્રાએ ગયેલા ગુજરાતના યાત્રાળુ ત્રણ દિવસથી વાતાવરણ ખરાબ થવાથી ફસાયા છે. મળેલી માહિતી અનુસાર, અમરનાથમાં સુરતના 10 લોકો ફસાયા છે. ત્યારે વડોદરાના 20 લોકો પણ સાથે ફસાયા છે. અટવાઈ ગયેલ ગુજરાતી યાત્રાળુના પહેરવાના ગરમ કપડા અને અન્ય ચીજ વસ્તુઓ પણ પલળી ગઈ છે. કાશ્મીરની કાતિલ ઠંડીમાં તેઓ ઠુઠવાઈ રહ્યાં છે. છેલ્લા ત્રણ દિવસથી આ શ્રદ્ધાળુઓ યાત્રાના માર્ગ પર ફસાયા છે, તથા વરસાદ અને ખરાબ વાતાવરણને કારણે તેઓ બીમાર પણ પડી રહ્યાં છે.
લગભગ 30 ગુજરાતીઓ અમરનાથના પંચતરમાં ફસાયા છે. આ કારણે ઠંડીથી બચવા તેઓને ગરમ કપડા માટે બમણા ભાવ ચૂકવવા પડી રહ્યાં છે. જેથી તમામ ગુજરાતીઓએ ગુજરાત સરકારને અપીલ કરી છે.
જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રા પર લાગી રોક
જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદના પગલે અમરનાથ યાત્રાને હાલમાં રોકવામાં આવી છે. મળતી માહિતી મુજબ, પવિત્ર ગુફા પર હળવી બરફવર્ષા થઈ છે. હવામાન ખાતાનું કહેવું છે કે આગામી કેટલાક દિવસ સુધી જમ્મુ-કાશ્મીરમાં સતત વરસાદ વરસી શકે છે. જ્યારે હવામાન સારુ થશે ત્યારે યાત્રા ચાલુ કરવા પર વિચાર કરવામાં આવશે.
યાત્રાળુઓની સંખ્યા થઈ શકે છે એક લાખને પાર
અમરનાથ યાત્રા માટે દેશ-વિદેશથી હજારો શ્રદ્ધાળુઓ જમ્મુ-કાશ્મીર ખાતે પહોંચ્યા છે, ત્યારે અમરનાથ યાત્રાનો વધુ એક સમૂહ બાબા બર્ફાનીના દર્શન કરવા માટે રવાના થયો હતો. જો કે, આ સમૂહને ખરાબ હવામાનને કારણે વચ્ચે જ રોકી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન ગઈકાલે 17,202 શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા હતા જ્યારે યાત્રાના પ્રારંભથી અત્યાર સુધીમાં કુલ 84,768 ભક્તોએ બાબા બર્ફાનીના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. યાત્રા શરૂ થયા બાદ આગામી બે-ત્રણ દિવસમાં દર્શન કરવા માટે આવનાર શ્રદ્ધાળુઓની સંખ્યા એક લાખને પાર થઈ શકે છે.