News Inside/ 11 July 2023
..
Dahod| મૂળ દાહોદના અને હાલમાં વડોદરા સ્થાયી થયેલા દાહોદ નગરપાલિકાના કાઉન્સિલરના જમાઈ દ્વારા બેરોજગાર યુવાનોને નોકરી અપાવવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી આચરતા આરોપી વિરુદ્ધ દાહોદ એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી છે.
દાહોદ નગરપાલિકાના ભાજપના કાઉન્સિલર રંજનબેન રાજહંસના જમાઈ દિપેશ ઉર્ફે સોનું શર્માએ બે વર્ષ અગાઉ દાહોદના એક વ્યક્તિને ઉચ્ચ અધિકારીઓ સાથે પોતાની ઓળખાણ હોવાનું કહીને નોકરીની લાલચ આપી હતી અને સ્ટેટ બેન્કમાં નોકરી લગાવવા માટે 8 લાખ રૂપિયા લીધા હતા. પરંતુ તેમાં સેટ ન થતાં રેલ્વેમાં ઉચ્ચ હોદ્દા ઉપર નોકરી લગાડવાની વાત કરીને તે વ્યક્તિ પાસેથી બીજા અઢી લાખ ખંખેર્યા હતા.
અન્ય બે વ્યક્તિઓ પાસેથી પણ આઠ-આઠ લાખ રૂપિયા લઈને કરી હતી ઠગાઈ
આ ઠગે તે જ રીતે અન્ય બે વ્યક્તિઓ પાસેથી પણ આઠ-આઠ લાખ રૂપિયા લઈ આરોપી ગાયબ થઇ ગયો હતો. જેને પગલે દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ મથકમાં બે વર્ષ અગાઉ ફરિયાદ દાખલ થઈ હતી, પરંતુ બે વર્ષથી ફરાર દિપેશને પોલીસે ખાનગી બાતમીદારો અને ટેકનિકલ સોર્સની મદદથી વડોદરા ખાતેથી ઝડપી પાડ્યો હતો. તેને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટ દ્રારા ચાર દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા હતા.
હાલ પોલીસે ઠગાઇની ગેંગમાં અન્ય કોણ-કોણ સામેલ છે, તે દિશામાં તપાસ હાથ ધરી છે. આ પ્રકારના હજુ વધુ ઠગાઇના કિસ્સા પણ બહાર આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. પોલીસે પણ જાહેર જનતાને અપીલ કરી છે કે, આ વ્યક્તિએ અન્ય કોઈ શખ્સો પાસેથી નાણાં પડાવ્યા હોય તો પોલીસનો સંપર્ક સાધવા અપીલ કરાઇ છે.