News Inside/ 12 July 2023
..
Monsoon 2023| હવામાન વિભાગે આગામી 7 દિવસની આગાહી કરીને ગુજરાતમાં ક્યાં-ક્યાં વરસાદ પડી શકે છે તેની સંભાવનાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગે ચાર દિવસ સુધી રાજ્યમાં સામાન્ય અને છૂટોછવાયો વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. તે પછી વરસાદનું જોર વધવાની સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરુ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. વરસાદના બીજા રાઉન્ડ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ તથા ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો. ગુજરાતમાં અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રના ભાગોમાં સારા પ્રમાણમાં વરસાદ થઈ ચૂક્યો છે.
અમદાવાદના હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ રાજ્યના હવામાન અંગે આગાહી કરીને જણાવ્યું છે કે, આગામી 4 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ નથી, પરંતુ એકાદ જગ્યા પર ભારે વરસાદ થઈ શકે છે. ડૉ. મોહંતીએ આજના દિવસની વાત કરીને જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ, ડાંગમાં હળવાથી સામાન્ય વરસાદ રહેવાની સંભાવનાઓ છે.
આજના દિવસ માટે સૌરાષ્ટ્ર કચ્છમાં પણ એકાદ જગ્યા પર ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે અને વરસાદની ઓછી શક્યતાઓ વચ્ચે એકાદ જગ્યા પર ભારે વરસાદ થઈ શકે છે. આગામી 12થી 15 જુલાઈ દરમિયાન હળવા વરસાદની શક્યતાઓ છે.
હવામાન વિભાગે 16મી જુલાઈથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે. ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું કે, 16, 17 અને 18 તારીખ દરમિયાન રાજ્યમાં સૌરાષ્ટ્ર સિવાયના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ રહેવાની શક્યતાઓ છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં આ દરમિયાન છૂટોછવાયો વરસાદ રહેવાની શક્યતાઓ છે.
અમદાવાદ માટે ડૉ. મોહંતીએ આગાહી કરીને હળવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. ભેજનું પ્રમાણ વધુ છે અને ગરમીના કારણે અમુક ભાગોમાં હળવો વરસાદ થઈ શકે છે. વરસાદ આપતી સિસ્ટમ ફરી એકવાર મજબૂત થવાથી રાજ્યમાં વરસાદી માહોલ જામવાની સંભાવનાઓ છે. જોકે, આ સિસ્ટમની હાલ કોઈ અસર ન હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની સિઝનનો લગભગ 60 ટકા જેટલો વરસાદ થઈ ગયો છે. તથા સૌરાષ્ટ્રમાં 80 ટકા વરસાદ થઈ ચૂક્યો છે, જ્યારે બાકીના ગુજરાતમાં 40 ટકા વરસાદ થયો છે.