Rahul Gandhi case| કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સંસદની સદસ્યતા રદ થવાના કેસમાં હાલમાં સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત મળી નથી. શુક્રવારે 21મી જુલાઈના રોજ થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે અરજીકર્તા પૂર્ણેશ મોદી અને ગુજરાત સરકારને નોટિસ જાહેર કરી છે. હવે આ મામલામાં આગામી સુનાવણી 4 ઓગસ્ટે થશે. ત્યાં સુધી ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો માન્ય રહેશે.
ગુજરાતની નીચલી કોર્ટે રાહુલ ગાંધીને મોદી અટક મામલામાં બે વર્ષની સજા ફટકારી હતી, જે બાદ તેઓ ગુજરાત હાઈકોર્ટ ગયા હતા, પરંતુ ત્યાંથી પણ તેમને રાહત ન મળી અને સજા યથાવત રાખવામાં આવી હતી. રાહુલ ગાંધી તરફથી ગુજરાત હાઈકોર્ટના આ ચુકાદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી.
શુક્રવારે જ્યારે સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી શરુ થઈ, ત્યારે રાહુલ ગાંધી તરફથી અભિષેક મનુ સિંધવીએ હાઈકોર્ટના આદેશ પર સ્ટે લગાવવાની માંગ કરી હતી. જો કે, સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સવાલ ફક્ત એ નથી કે, દોષ પર રોક લગાવામાં આવે કે નહીં. ત્યારે આવા સમયે બંને પક્ષની વાત સાંભળવી જરુરી છે. સુપ્રીમ કોર્ટે 10 દિવસની અંદર તમામ પક્ષને નોટિસનો જવાબ આપવા માટે કહ્યું છે.