Tathya Patel Accident Case| અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર 20 તારીખની મધરાતે સર્જાયેલા ગોઝારા અકસ્માતના આરોપી નબીરા તથ્ય પટેલ વિરુદ્ધ ગુન્હાના 7 જ દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરાઈ છે. આ સમગ્ર બાબત આજ રોજ અમદાવાદના પોલીસ કમિશનરશ્રી પ્રેમવીરસિંહ યાદવે પત્રકાર પરિષદ યોજીને જણાવી છે. આ અકસ્માતમાં 9 લોકોના મોત નિપજ્યા છે, જેમાં 2 પોલીસકર્મી તથા 1 હોમગાર્ડ જવાન શામેલ છે. આ ગોઝારા અકસ્માતમાં અન્ય 13 લોકોને પણ ઈજાઓ પહોંચી હતી, જેમાંથી એક વ્યક્તિની સ્થિતિ હજુ પણ ગંભીર છે.
તથ્ય પટેલ વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરાઈ
પોલીસ દ્વારા આ ઘટનાની ઝડપથી તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં શહેરના ટ્રાફિક DCP, ACP, 6 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર સહીત અન્ય પોલીસકર્મીએ રાત-દિવસ મહેનત કરીને 7 દિવસમાં ગુન્હાનો ભેદ ઉકેલીને ચાર્જશીટ રજૂ કરી છે. પોલીસ તપાસમાં ઘટનાના દરેક પાસા પર ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવી હતી. જેમાં કારમાંથી મળી આવેલા પુરાવાના DNA રિપોર્ટ, જેગુઆર કારના UKથી આવેલા રિપોર્ટ્સ કે જેમાં EDR સિસ્ટમ રેકોર્ડ થઇ હતી, તથા અનાયાસે બાઈક સવાર દ્વારા ઘટનાનો રેકોર્ડ થયેલો વિડીયો, આ ઉપરાંત આરોપીના બ્લડ સેમ્પલ, વગેરે પુરાવાને આધારે તપાસ કરીને ચાર્જશીટ ફાઈલ કરાઈ છે. તે ઉપરાંત પોલીસ દ્વારા તથ્ય વિરુદ્ધ રેશ ડ્રાઈવિંગના પુરાવા એકઠા કર્યા છે.
પોલીસ દ્વારા કેવા પુરાવાની તપાસ કરાઈ?
પોલીસ દ્વારા આ અકસ્માતને નજરે જોનારા લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. આરોપી વિરુદ્ધ કુલ 1700 પેજની ચાર્જશીટ ફાઈલ કરી છે. જેના માટે પોલીસે અત્યાર સુધીમાં આ કેસ સાથે જોડાયેલા 181 લોકોની તપાસ કરી છે. જેમાં 8 લોકોના 164 મુજબ નિવેદન લેવામાં આવ્યા છે. ઘટના સ્થળ પર તાત્કાલિક ધોરણે FSLની તપાસ કરવામાં આવી હતી. આ સહીત, ઘટનાનું રિકસ્ટ્રકશન કરીને વિઝિબિલિટી પણ ચકાસવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે ઘટના સમયે પૂરતી વિઝિબિલિટી હતી. તથા જેગુઆર કારનો RTO રિપોર્ટ પણ તપાસવામાં આવ્યો હતો. જે સમયે અકસ્માત સર્જાયો ત્યારે ગાડીમાં બેઠેલા લોકોની પણ મેડિકલ તપાસ કરવામાં આવી હતી. તથ્ય દ્વારા જ અકસ્માત થયો છે, તે સાબિત કરવા કારની ડરાઇવર સીટ પરથી મળેલા વાળનો DNA ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત અગાઉ પણ તથ્ય દ્વારા સ્પીડલિમિટના નિયમો ભંગ કરવાના પુરાવા મળી આવ્યા છે. તથા અગાઉ 2 વખત તથ્ય દ્વારા સર્જાયેલા રેશ ડ્રાઈવિંગના ગુન્હા દાખલ કરાયા છે.
આ કેસમાં પોલીસ સામે અનેક પડકાર
તથ્ય પટેલે સર્જેલા ગોઝારા અકસ્માતમાં ઇજા પામેલા લોકોની પૂરતી સારવાર થાય અને તે સ્વસ્થ થાય તે પોલીસ માટે પડકારરૂપ હતું. અકસ્માતમાં 9 નિર્દોષ લોકોના મોત થયા હતા, તથા 13 લોકોને નાની મોટી ગંભીર ઈજાઓ પહોચીં છે. જેમાંથી એક વ્યક્તિની સ્થિતિ હજુ પણ ગંભીર છે. અકસ્માતનો આરોપી ઝડપથી પકડાઈ જાય અને તેને કાનૂનના નિયમ પ્રમાણે વધુમાં વધુ સજા થાય તે પોલીસ માટે એક ચેલેન્જ હતી. અકસ્માતનો આરોપી તથ્ય પટેલ સારવાર હેઠળ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ હતો, તે સમયે ક્યાંય ભાગી ન જાય તે માટે પોલીસે હોસ્પિટલમાં વૉચ ગોઠવી હતી. આ ઉપરાંત અકસ્માત અંગેના મહત્વના પુરાવા સાથે ચેડાં ન થાય તે પણ મોટો પડકાર હતો. ચોક્કસ પુરાવા મળી રહે તે માટે 3 કલાકની અંદર જ તથ્યના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. તથા કાર ઓવર સ્પીડમાં હતી તે અંગે RTO અને FSLના રિપોર્ટને પુરાવા તરીકે રજૂ કરવા તે મોટી ચેલેન્જ હતી.
પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે જાણવા મળ્યું છે કે, તથ્ય પટેલે જે જેગુઆર કારથી અકસ્માત સર્જ્યો હતો તેનું કાર ખરીદ્યાનાં 48 દિવસ બાદ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. જે અંગે પોલીસ તપાસ ચાલુ છે.
આ ઘટનાથી શીખ લઈને અનેક જિલ્લાઓમાં સ્ટંટબાજ અને રેશ ડ્રાઈવિંગ કરતા લોકો સામે પોલીસે લાલ આંખ કરી છે. અનેક લોકોને દંડ ફટકાર્યો છે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ ચલાવીને આવા સ્ટંટબાજ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. તથા અમદાવાદના ઇન્ચાર્જ CP પ્રેમવીરસિંહ યાદવના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં રાત્રી દરમિયાન ટ્રાફિક પોલીસ દ્વારા આ પ્રકારની કામગીરી કરવામાં આવશે.