Ahmedabad| પાસપોર્ટ કેવા કેસમાં રીન્યુ થઈ શકે તેની વિચિત્ર ઘટના અમદાવાદમાં બની છે. અમદાવાદમાં રહેતા એક દાદાએ પોતાના પૌત્રના પાસપોર્ટ માટે હાઈકોર્ટમાં અરજી કરી છે. તેમના 12 વર્ષના પૌત્રનો પાસપોર્ટ રીન્યુ થતો નથી, જેને લઈને તેઓએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે.
વાત એમ છે કે, અમદાવાદમાં રહેતા ચંદ્રસિંહ ચૂડાસમાએ પોતાના 12 વર્ષીય પૌત્રનો પાસપોર્ટ રીન્યુ કરાવવા માટે અરજી કરી હતી. પરંતુ પાસપોર્ટ ઓફિસરે તેમના પૌત્રનો પાસપોર્ટ રીન્યુ ન કર્યો. આ માટે તેમણે કાયદાનો સહારો લેવાનું નક્કી કર્યું.
અરજીમાં તેમણે લખ્યું કે, તેમના 12 વર્ષીય સગીરના માતાપિતા ઓસ્ટ્રેલિયામાં રહેતા હતા, તે સમયે 2011માં આ બાળકનો જન્મ થયો હતો. તેના જન્મના 26 દિવસ બાદ તેને ભારતીય પાસપોર્ટ મળ્યો હતો. ઓસ્ટ્રેલિયાથી તેના માતાપિતા કેનેડામાં સ્થાયી થયા છે અને તેઓને હવે કેનેડાની નાગરિકતા મળી છે. પરંતુ પૌત્ર હાલ તેના દાદા સાથે અમદાવાદમાં જ રહે છે.
દર પાંચ વર્ષે પાસપોર્ટ રીન્યુ કરવાનો હોય છે. પરંતુ સગીર પૌત્રનો પાસપોર્ટ 2016 બાદ રિન્યુ થયો જ નથી. તે 2021 માં એક્સપાયર થયો હતો. કારણ કે, પાસપોર્ટ ઓફિસરે તેને રીન્યુ કરવા નન્નો ભણ્યો છે. કારણ કે, પાસપોર્ટ ઓથોરિટીઝ પ્રમાણે વિદેશી નાગરિકતા સ્વીકારનારાં માતા-પિતાના બાળકને ભારતીય પાસપોર્ટ ન મળી શકે.
હવે જ્યાં સુધી પાસપોર્ટ રીન્યુ ન થાય ત્યાં સુધી પૌત્ર તેના માતા-પિતાને મળી શક્તો નથી. તેમજ પાસપોર્ટ રીન્યુ ન થવાને કારણે તેની કેનેડાની નાગરિકતા મેળવવાની પ્રોસેસ પણ અટકી ગઈ છે. અરજદાર વતી વકીલ એન.કે. મજમુદારે દલીલ કરી હતી કે, કાયદા પ્રમાણે બાળકનાં માતા-પિતા જન્મથી મૂળ ભારતીય છે. બાળકનો જન્મ થયે કાયદા પ્રમાણે 1 વર્ષની અંદર ભારતીય દૂતાવાસમાં અરજી કરવાની રહે છે, જે આ કેસમાં બાળકના જન્મના 26મા દિવસે જ પાસપોર્ટ મળ્યો છે. જોકે આ મુદ્દે જજ વૈભવી નાણાવટીએ બે અઠવાડિયા બાદ સુનાવણી નક્કી કરી છે.