Ahmedabad| અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં નવ લોકાના જીવ ગયા છે. જે બાદ પણ નબીરાઓ બેફામ વાહનો ચલાવી રહ્યાં છે અને નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યાં છે. વાહનની બેફામ ગતિ તેમજ નશામાં ધૂત થઈ વાહનો ચલાવતા હોવાથી અવાર નવાર અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદ પણ મહામૂલી માનવ જિદંગીની કદર ન કરનાર વધુ એક નબીરો નશામાં ધૂત થઈ બેફામ રીતે વાહન ચલાવતો ઝડપાયો છે.
ઈસ્કોન બ્રિજ પરથી નશામાં ધૂત કારચાલક ઝડપાયો
પોલીસે ઈસ્કોન બ્રિજ પરથી નશામાં ધૂત કારચાલક ઝડપી લીધો છે. મળેલી માહિતી અનુસાર, સેટેલાઈટ પોલીસે સુરતના ભાવેશ ઠાકોરને નશાની હાલતમાં ડ્રાઈવ કરતો ઝડપી પાડ્યો છે. દારૂના નશામાં ધૂત થઈ બેફામ કાર ચલાવી રહ્યો હોવાનું સામે આવ્યું છે. સેટેલાઈટ પોલીસ મથકે ગુનો નોંધી આ નબીરાની ધરપકડ કરી લેવામાં આવી છે, તેમજ આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે.
પોલીસ આવી એક્શન મોડમાં
અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર ગોજારો અકસ્માત થયો હતો જેમાં 9 લોકોના મૃત્યુ નિપજ્યા હતા. જે બાદ પણ સ્પીડથી વાહન ચલાવવાના શોખીનો લાપરવા થઈને વાહનો ચલાવી રહ્યાં છે. જો કે સમગ્ર ઘટનાને લઈ રાજ્યમાં ટ્રાફિક પોલીસ પણ હરકતમાં આવી છે. બેફામ વાહન ચલાવવાના કારણે અનેક અકસ્માતો સર્જાતા હોય છે. જેને પગલે નિર્દોષોને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. તથ્ય પટેલે સર્જેલા અકસ્માત બાદ સમગ્ર રાજ્યમાં પોલીસે આવા નબીરાઓ સામે લાલ આંખ કરી છે. અમદાવાદમાં પણ પોલીસ દ્વારા ડ્રાઇવ ચલાવવામાં આવી છે. જેમાં સ્ટન્ટ કરતા અને બેફામ ડ્રાંઈવિંગ કરતા નબીરાઓને પાઠ ભણાવવામાં આવે છે.