Mahesana| ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમ ઓવરફ્લો થવાને આરે છે. જળસપાટી વધતા ધરોઈ ડેમના 3 દરવાજા ખોલાયા છે. ડેમની ભયજનક સપાટી 622 ફૂટ છે, જ્યારે હાલ ડેમની જળસપાટી 618.50 ફૂટ છે. ધરોઈ ડેમ સંપૂર્ણપણે ભરાવવામાં ફક્ત 3.5 ફૂટ બાકી છે. જળસપાટી જાળવવા 10,036 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડાયું છે. સાબરમતી નદીના કાંઠા વિસ્તારને એલર્ટ કરાયા છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ધરોઈ ડેમમાં નવા નીરની આવક થઈ રહી છે.
ગઇકાલે મહેસાણાના ધરોઈ ડેમનો બીજો ગેટ ખોલાયો હતો અને ડેમમાંથી નદીમાં 9236 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. કાલે ડેમમાં 9286 ક્યુસેક પાણીની આવક થઇ હતી. જ્યારે હાલ ધરોઈ ડેમની સપાટી 619 ફૂટ છે. ધરોઈ ડેમમાંથી સાબરતમી નદીમાં પાણી છોડાઇ રહ્યું છે. જેના પગલે સાબરમતી નદીના કાંઠા વિસ્તારોને તંત્રએ એલર્ટ કર્યા છે. સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, બનાસકાંઠાના તંત્રને જાણ કરાઇ છે. ખેડા, આણંદ, મહેસાણા જિલ્લાના કલેક્ટરોને પણ જાણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ધરોઇ ડેમની કુલ સપાટી 622 ફૂટ સામે 619 ફૂટ સુધી ભરાઈ ચુક્યો છે. ડેમની જળસપાટી ચાલુ માસે 619 ફૂટ સુધી ભરવા મંજૂરી મળી છે.
ગુજરાતના કુલ 207 પૈકી 61 ડેમ સંપૂર્ણ ભરેલા
ગુજરાતમાં આ વર્ષે સિઝનનો સરેરાશ 85 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 83 ટકા વરસાદ નોંધાયો છે, ત્યારે રાજ્યના 207 ડેમમાં કુલ 69.73% પાણીનો જથ્થો છે. ગુજરાતના કુલ 207 પૈકી 61 ડેમ સંપૂર્ણ ભરેલા છે. સૌરાષ્ટ્રના 141 ડેમ પૈકી 46 ડેમ સંપૂર્ણપણે ભરેલા છે. સૌરાષ્ટ્રના 141 ડેમમાં 81.85% પાણીનો જથ્થો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના 13 પૈકી 3 ડેમ સંપૂર્ણ ભરેલા છે. દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 69.54% પાણીનો જથ્થો છે.
કેવી રહેશે વરસાદની આગાહી?
બીજી તરફ, વરસાદની આગાહીની વાત કરવામાં આવે તો, રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. હાલ પૂરતી રાજ્યમાં ભારે વરસાદની આગાહી નથી. તે વચ્ચે અમદાવાદમાં કેટલાક વિસ્તારમાં હળવો વસાદ થઈ શકે છે. સામાન્યથી હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. જ્યારે દમણ, દાદરાનગરહવેલી, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, જૂનાગઢમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. માછીમારોને 4 દિવસ દરિયો ન ખેડવાની સૂચના પણ અપાઇ છે.