Ahmedabad| યુવાનો ઠાઠમાઠથી તૈયાર થઇને સમીસાંજે સરખેજ, સિંધુભવન રોડ, એસજી હાઇવે સહિતની જગ્યાઓ પર રોલો મારવા માટે નીકળી પડતાં શહેરની તાસીર અચાનક બદલાઇ જાય છે. બેફામ વાહન ચલાવીને સ્ટંટ કરવા, જોર જોરથી સાઉન્ડ વગાડીને કાર ચલાવવી આ બધા આજના નબીરાઓના શોખ થઇ ગયા છે. ત્યારે સરખેજમાં રોફ જમાવવો યુવકોને ભારે પડ્યો છે. રોલા મારતા વસ્ત્રાલના બે યુવકોની સરખેજ પોલીસે ધરપકડ કરી છે.
પોલીસ સામે ખોટું બોલ્યો
મોડી રાતે પોલીસ ચેકિંગ કરતી હતી, ત્યારે કાર પર MLAનું બોર્ડ લગાવીને ફરતા યુવકને સરખેજ પોલીસે ઝડપી પાડ્યો હતો. સરખેજ પોલીસ મોડી રાતે બંદોબસ્તમાં વ્યસ્ત હતી ત્યારે MLA બોર્ડવાળી એક કાર પુરઝડપે આવી રહી હતી. પોલીસે કારચાલકને રોકીને તેની ધરપકડ કરી લીધી હતી. યુવકનું નામ ક્રિશ પટેલ છે. જેનો દૂર દૂર સુધી કોઇ સંબંધી પણ MLA નથી. ક્રિશની ધરપકડ કરી ત્યારે તેણે અમરાઇવાડીના ધારાસભ્ય હસમુખભાઇ પટેલ તેના સંબંધી હોવાનું કહીને પોલીસ સામે ખોટું બોલ્યો હતો. મિત્ર વર્તુળમાં સિનસપાટા મારવા માટે ક્રિશે પોતાની કારમાં MLAનું બોર્ડ લગાવ્યું હતું. ક્રિશની ધરપકડ સમયે તેની સાથે ગાડીમાં વિશ્વ પટેલ પણ સવાર હતો, જેની પણ પોલીસે ધરપકડ કરી છે.
પોલીસ આવી એક્શન મોડમાં
રોડને પોતાના અમીર બાપની જાગીર સમજીને પુરઝડપે જેગુઆર ચલાવીને નવ લોકોના જીવનો ભોગ લેનાર તથ્ય પટેલ હાલ જેલમાં બંધ છે. હવે શહેરમાં બીજો કોઇ તથ્ય પટેલ પેદા ન થાય અને આવા નબીરાઓની શાન ઠેકાણે આવે તે માટે પોલીસ એક્શન મોડ પર આવી ગઇ છે. મોડી રાતે શહેરના પોશ વિસ્તારો તેમજ વિવિધ વિસ્તારોને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવે છે. પોલીસ એટલી કડક થઇ ગઇ છે કે જાહેર રોડ પર જો પુરઝડપે વાહનો લઇને નીકળ્યા તો તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે છે.
નસેડીઓ પર તવાઈ
આખી રાત યુવાનો કાફે અને રેસ્ટોરન્ટમાં ગપાટા મારવા બેસતા હોય છે અને જ્યારે તેઓ નીકળે ત્યારે પુરઝડપે વાહનો હંકારતા હોય છે. તથ્ય પટેલે ઇસ્કોનબ્રિજ પર અકસ્માત સર્જ્યો ત્યારે તે તેના મિત્રો સાથે કાફેમાંથી આવી રહ્યો હતો. જ્યારે તેણે સિંધુભવન રોડ પર થારને કાફેની દીવાલમાં ઘુસાડી દીધી ત્યારે પણ તે ત્યાં જ જતો હતો. કાફેની આડમાં ચોરી છુપે ડ્રગ્સની પાર્ટીઓ થાય છે. ત્યારે દારૂ પાર્ટી પણ થતી હોય છે. આવી સ્થિતિમાં યંગસ્ટરોને પોલીસનો ડર રહે તે માટે ક્રાઇમ બ્રાંચ અને એસઓજીની ટીમે મેગા ઓપરેશન હાથ ધર્યું હતું.