MLA રિવાબા જાડેજાએ MP પૂનમ માડમ સાથે થયેલી બોલાચાલી અંગે કર્યો ખુલાસો, કહ્યું વાત સેલ્ફ રિસ્પેક્ટની હતી

by ND
RivaBa clarifies the matter, News Inside

Jamnagar| જામનગરમાં આજે જાહેર મંચ પર ગુજરાત ભાજપના બે દિગ્ગજ નેતા સામસામે આવી ગયા હતા. જામનગરમાં એક જાહેર કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજા અને ભાજપના જ સાંસદ પૂનમબેન માડમ વચ્ચે જાહેરમાં શાબ્દિક તુતુ મૈંમૈં જોવા મળી હતી. આ દરમિયાન ધારાસભ્ય રિવાબા જાડેજાએ જામનગરના મેયર બીનાબેનને પણ આડેહાથ લીધા હતા. જેનો વીડિયો વાયરલ થયા બાદ ધારાસભ્ય રિવાબા જાડેજાનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ બોલાચાલી મુદ્દે ખુલાસો કર્યો છે.

મેયર સાથે બોલાચાલી બાદ ધારાસભ્ય રિવાબાનું નિવેદન
આ વિશે જણાવતા ધારાસભ્ય રિવાબા જાડેજાએ જણાવ્યું કે, શહેરમાં ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે પહેલા સાંસદ પૂનમબેન માડમ ગયા હતા. આ તકે તેમણે ચપ્પલ પહેરેલા હતા, જે બાદ હું શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે ગઈ હતી. ત્યારે મેં ચપ્પલ કાઢ્યા હતા અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જે બાદ વારા ફરતી વારા તમામ કોર્પોરેટરો ચપ્પલ કાઢીને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે ગયા હતા.

‘MP પૂનમબેન એવું બોલ્યા કે PM અને રાષ્ટ્રપતિ પણ આવા કાર્યક્રમમાં ચપ્પલ નથી ઉતારતા’
રિવાબા જાડેજાએ કહ્યું કે, “આ કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે જામનગરના સાંસદ પૂનમબેન માડમે જાહેરમાં એવું નિવેદન આપ્યું હતું કે પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ પણ આવા કાર્યક્રમમાં ચપ્પલ નથી ઉતારતા હોતા, પરંતુ અમુક ભાન વગરના લોકો કે જેને કંઈ ભાન નથી પડતી એવા લોકો ઓવર સ્માર્ટ થઈને ચપ્પલ કાઢે છે. શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતી વખતે તેમની જે આ ટિપ્પણી હતી તે મને માફક ન આવી અને મારે ન છૂટકે તેમને જવાબ આપવો પડ્યો.”

પૂનમબેને કહ્યું કે, મેં બીનાબેનને કહ્યું છેઃ રિવાબા
રિવાબા જાડેજાએ જણાવ્યું કે, આ પછી પૂનમબેન માડમે એવું કહ્યું હતું કે મેં તમને કંઈ જ કહ્યું નથી, આ હું બીનાબેનને કહું છું. ત્યારે મેં તેમને કહ્યું હતું કે તમે જે કોઈ વ્યક્તિને કહેતા હોય તેમને નામજોગ કહો, તેમને પર્સનલી કહો, જાહેરમાં આવું નિવેદન આપવું યોગ્ય નથી.

મારી સામે બૂમો પાડવા લાગ્યા હતા મેયરઃ રિવાબા જાડેજા
જે બાદ અમારી વાતમાં મેયર બીનાબેન સાસંદ પૂનમબેન માડમનો પક્ષ લઈને કૂદી પડ્યા હતા અને મારી સાથે બૂમો પાડીને તોછડાઈથી બોલવા લાગ્યા હતા. જેથી મેં તેમને વળતો જવાબ આપ્યો હતો.

શું છે સમગ્ર મામલો?
જામનગર શહેરમાં ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય રિવાબા જાડેજા ગુસ્સે ભરાયા હતા. ચાલુ કાર્યક્રમમાં જ MLA રિવાબા જાડેજા મેયર બીનાબેન કોઠારી પર લાલઘુમ થઈ ગયા હતા. જોકે, આ મામલામાં સાંસદ પૂનમ માડમે દરમિયાનગીરી કરતા રિવાબા જાડેજાએ સાંસદ પૂનમ માડમ પર પણ ગુસ્સો ઠાલવ્યો હતો. ધારાસભ્ય રિવાબાએ પૂનમ માડમને કહ્યું હતું કે, ‘સળગાવવા વાળા તમે જ છો એટલે હવે ઠારવાનો પ્રયાસ ન કરો’. આ દરમિયાન શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરાએ ધારાસભ્ય રિવાબા જાડેજાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો.

Related Posts