One nation one election| આગામી વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકાર એક મોટું પગલું ભરવાની કવાયત કરી રહી છે. વાત જાણે એમ છે કે, તાજેતરમાં એક દેશ એક ચૂંટણીનો મુદ્દો સતત હેડલાઇન્સ બની રહ્યો છે. આ તરફ હવે મોટા સમાચાર સામે આવ્યા છે કે, ભારત સરકારે એક સમિતિની રચના કરી છે, જે આ અંગે પોતાનો રિપોર્ટ આપશે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ કમિટીનું નેતૃત્વ કરશે. ભારત સરકાર ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર સૂચના પણ બહાર પાડશે.
કેન્દ્ર સરકારે ગઈકાલે જ 18થી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવવાની જાહેરાત કરી હતી. જે બાદ અટકળો લગાવવામાં આવી રહી હતી કે આ વિશેષ સત્રમાં મોદી સરકાર એક દેશ-એક ચૂંટણીને લઈને બિલ લાવી શકે છે અને ચર્ચા બાદ તેને પાસ કરી શકે છે. આ અટકળો શરૂ થતાની સાથે જ દેશમાં નવી ચર્ચા શરૂ થઈ હતી. જોકે ઘણા વિપક્ષી નેતાઓએ આવા કોઈપણ બિલ લાવવાને ગેરબંધારણીય ગણાવ્યુ હતું.
જો એક દેશ એક ચૂંટણી લાગુ કરવામાં આવે તો શું થશે?
આ તરફ જો દેશમાં એક દેશ-એક ચૂંટણીના નિર્ણયનો અમલ થશે તો તમામ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણી એક સાથે થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક અવસરે આના પક્ષમાં અવાજ ઉઠાવ્યો છે અને હવે આને લઈને દેશમાં વાતાવરણ સર્જાઈ રહ્યું છે. થોડા સમય પહેલા કાયદા પંચે એક દેશ એક ચૂંટણી પર સામાન્ય લોકોનો અભિપ્રાય પણ માંગ્યો હતો.
શું કહ્યું હતું PM મોદીએ ?
PM મોદીએ સંસદમાં કહ્યું હતું કે, કોઈએ એક દેશ, એક ચૂંટણીના મુદ્દાને સ્પષ્ટપણે નકારી કાઢવો જોઈએ નહીં અને તેના પર વિગતવાર ચર્ચા થવી જોઈએ. PM મોદીએ કહ્યું હતું કે, દેશના સમય, ખર્ચ અને વિકાસની ગતિને ઝડપી બનાવવા માટે એક દેશ, એક ચૂંટણી સમયની જરૂરિયાત છે અને કહ્યું હતું કે, આપણે આ દિશામાં પગલાં ભરવા જોઈએ.
શું છે વન નેશન-વન ઈલેક્શન?
વન નેશન-વન ઈલેક્શન એટલે દેશમાં લોકસભા અને વિધાનસભા, રાજ્યસભાની ચૂંટણીઓ એકીસાથે યોજવી, હાલમાં પાંચ વર્ષ પૂરા થયા બાદ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ યોજાય છે. પરંતુ એક જ સમયે આખા દેશમાં ચૂંટણીઓ થાય તો ઘણો બધો ખર્ચ બચી જાય તેથી સરકાર વિશેષ સત્રમાં વન નેશન, વન ઈલેક્શનની વેતરણમાં છે.
એકી સાથે ચૂંટણી યોજવા શું કરવું પડે
રિજિજુએ જણાવ્યું હતું કે, એક સાથે ચૂંટણી યોજવા માટે બંધારણની પાંચ કલમોમાં સુધારો કરવાની જરૂર પડશે. આ પાંચ કલમોમાં સંસદના ગૃહના સમયગાળાને લગતી કલમ 83, રાષ્ટ્રપતિ દ્વારા સંસદ ભંગ કરવાની કલમ 84, રાજ્યોની વિાધાનસભાના સમયગાળા સાથે સંકળાયેલી કલમ 172, રાજ્ય વિધાનસભા ભંગ કરવા સાથે સંકળાયેલી કલમ 174, રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા સાથે સંકળાયેલી કલમ 356માં સુધારો કરવાની જરૂર પડશે.
દેશને એક જ ચૂંટણીની જરૂર છે કે નહીં?
ચૂંટણી એ લોકશાહીનું પ્રથમ પગથિયું છે. પરંતુ ભારત જેવા મોટા દેશમાં એકવાર સ્વચ્છ અને નિષ્પક્ષ ચૂંટણી યોજવી એ એક મોટો પડકાર છે. દેશમાં દર વર્ષે સરેરાશ એક યા બીજા રાજ્યમાં ચૂંટણી યોજાય છે. સતત ચૂંટણીના કારણે દેશ હંમેશા ચૂંટણી મોડ પર રહે છે. જેના કારણે વહીવટી અને નીતિગત નિર્ણયોને અસર થાય છે. આ ઉપરાંત દેશ પર મોટો આર્થિક બોજ પણ છે. તેને રોકવા માટે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે કરાવવાનો વિચાર લાવવામાં આવ્યો છે.
અગાઉ પણ દેશમાં ચાર વખત એક સાથે ચૂંટણી થઈ ચૂકી છે
એક દેશ એક ચૂંટણી નવું નથી. વર્ષ 1952, 1957, 1962, 1967માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજાઈ હતી. પરંતુ આ પ્રક્રિયા 1968-69માં તૂટી ગઈ હતી. જ્યારે કેટલાક રાજ્યોની એસેમ્બલી અકાળે વિસર્જન કરવામાં આવી હતી. જોકે કેટલાક નિષ્ણાતો કહે છે કે દેશની વસ્તી ઘણી વધી ગઈ છે. તેથી એક સાથે ચૂંટણી યોજવી શક્ય નથી. દલીલ એ પણ સામે આવે છે કે દેશની વસ્તી સાથે ટેક્નોલોજી અને સંસાધનોનો પણ વિકાસ થયો છે. તેથી એકસાથે ચૂંટણી થઈ શકે છે.
આ દેશોમાં યોજાય છે એક જ ચૂંટણી
વિશ્વમાં ઘણા એવા દેશો છે જ્યાં એક જ ચૂંટણીની પરંપરા છે. ઈન્ડોનેશિયા, દક્ષિણ આફ્રિકા, જર્મની, સ્પેન, હંગેરી, સ્લોવેનિયા, અલ્બેનિયા, પોલેન્ડ, બેલ્જિયમમાં પણ એક વખત ચૂંટણી યોજવાની પરંપરા છે. સ્વીડનમાં ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સામાન્ય ચૂંટણીઓ, કાઉન્ટી અને મ્યુનિસિપલ ચૂંટણીઓ એક સાથે યોજાઈ હતી.
લોકોનું જીવનધોરણ સુધરશે
એક દેશ, એક ચૂંટણી વારંવાર ચૂંટણીઓ પાછળ ખર્ચવામાં આવતા નાણાં બચાવશે. તેનો ઉપયોગ શિક્ષણ, આરોગ્ય અને જળ સંકટ નિવારણ વગેરે જેવા કાર્યોમાં થશે, જેનાથી લોકોનું જીવનધોરણ સુધરશે. વિકાસને વેગ આપવા માટે ઘણા દેશોએ એક દેશ, એક ચૂંટણીની પદ્ધતિ અપનાવી છે. 2009ની લોકસભા ચૂંટણીમાં 1,100 કરોડ રૂપિયા અને 2014માં 4,000 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. ગત લોકસભા ચૂંટણીમાં લગભગ છ હજાર કરોડનો જંગી ખર્ચ થયો હતો. વિધાનસભાની ચૂંટણીમાં પણ આવી જ સ્થિતિ રહી છે. ઉપરાંત અવાર-નવાર ચૂંટણીના કારણે લાગુ થયેલી આચારસંહિતા તમામ પ્રકારના વિકાસના કામોમાં અવરોધ ઉભી કરે છે.
દુષ્પ્રભાવો પર પણ અંકુશ આવશે
જો એકસાથે ચૂંટણી યોજાય તો આ દુષ્પ્રભાવો પર પણ અંકુશ આવશે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવાથી પરસ્પર સંવાદિતા વધશે. કારણ કે ચૂંટણીમાં આવા મુદ્દાઓ વારંવાર ઉછળશે નહીં જેનાથી સામાજિક સમરસતા બગડે તેવી શક્યતા છે. આ સાથે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં પણ સમય અને નાણાંનો વ્યય થાય છે. જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને તેના ખર્ચને આમાં ઉમેરવામાં આવે તો એક સાથે ચૂંટણી યોજવાના ઘણા ફાયદા દેખાઈ આવે છે.