Patan| પાટણના ચાણસ્મા હાઈવે પર આવેલી એક હોટલમાં ત્રણ યુવતીઓ દ્વારા પ્લાન બનાવીને કિશોર પટેલ (નામ બદલવામાં આવ્યું છે) બિલ્ડરને ખોટા કેસમાં ફસાવી દેવાનો કારસો રચાયો હતો. હોટલનો રૂમ રાખીને બિલ્ડરને એક યુવતી સાથે એકલા મૂકી દેવામાં આવ્યા હતા, આ પછી બિલ્ડરને ફસાવવા માટે અન્ય યુવતી પોતે પત્રકાર હોવાનું કહીને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની વાત કરી હતી, પ્લાન પ્રમાણે બિલ્ડર પાસે રૂપિયા 10 લાખની માગણી કરવામાં આવી હતી. જોકે ઘટનાની વાત પોલીસ સુધી પહોંચતા આ કેસમાં નવો વળાંક આવ્યો હતો. ત્રણ મહિલા સહિત પાંચ લોકોની આ કેસમાં ધરપકડ કરીને પોલીસે ઊંડી તપાસ શરુ કરી છે.
રંગીન પળોની લાલચ અને સ્ત્રીઓ દ્વારા સોશિયલ મીડિયા અને અન્ય રીતે રૂપિયાવાળાને આકર્ષિત કરવાનો પ્રયાસ કરીને ખંડણી માંગવાના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે. શોર્ટકટમાં રૂપિયા કમાવવા માટે ગેંગ દ્વારા આ પ્રકારના કારસા રચવામાં આવતા હોય છે. આવો જ કેસ પાટણમાં સુદામા ચોકડી પાસે આવેલી એક હોટલમાં બન્યો છે જેમાં પટેલ બિલ્ડરને હાઈવે પર આવેલી હોટલમાં યુવતીઓને મળવા માટે આવી હતી.
પોલીસે આ કેસમાં જણાવ્યું કે, 3 સપ્ટેમ્બરના દિવસે બિલ્ડર પાટણની એક હોટલમાં રોકાયેલા હતા. એ સમયે તેમની સાથે જમીન બાબતે વાત કરવા માટે વર્ષા અને રાધિકા નામની મહિલાઓ આવી હતી, અને તેમની સાથે જમીન બાબતે વાતચીત કરવામાં આવી રહી છે. આ દરમિયાન પ્લાન પ્રમાણે વર્ષા અર્જન્ટ કામનું ભાનુ કરીને હોટલ છોડીને જતી રહે છે અને હોટલમાં બિલ્ડર સાથે માત્ર રાધિકા રહી હતી.
આ પછી ત્રીજી મહિલાની એન્ટ્રી થાય છે, વંદના નામની મહિલા હોટલમાં પહોંચીને પોતે પત્રકાર હોવાની ઓળખ આપે છે અને રાધિકાને પોતાની ભાણી ગણાવીને આમની સાથે કેમ ફરો છો તેવો સવાલ કરીને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની વાત કરી હતી. આ સાથે બિલ્ડર પાસે 10 લાખ રૂપિયાની માગણી પણ કરવામાં આવી હતી. જ્યારે આ મામલે પોલીસને જાણ થઈ અને તપાસ કરી ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થયું હતું.
પાટણ પોલીસે આ મામલે તપાસ કરી તો માલુમ પડ્યું કે જે બિલ્ડર છે તેઓ પીડિત છે અને તેમને ફસાવવા માટે ટોળકી દ્વારા આખું કાવતરું ગોઠવવામાં આવ્યુ હતું. બિલ્ડરને હનીટ્રેપમાં ફસાવવાનું કાવતરું કરનારા મહિલા સહિતના આરોપીઓની ધરપકડ કરીને કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે આ ગુનામાં આરોપીઓ સામે IPCની કલમ 388,389,120(બી), 114 હેઠળ ગુનો નોંધ્યો છે.
રાધિકા નામની જે મહિલા પકડાઈ છે તેનો ગુનાહિત ઇતિહાસ છે અને તેમાં પણ હનીટ્રેપ લોકોને ફસાવવાના ગુના નોંધાયેલા છે. આ કેસમાં પકડાયેલા વર્ષા, વંદના અને રાધિકા નામની ત્રણેય મહિલાઓ અમદાવાદની રહેવાસી છે. જે મહિલાએ પત્રકાર હોવાની ઓળખ આપી હતી તે પણ ખોટી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
પોલીસે આ કેસમાં રાધિકા, વંદના અને વર્ષા નામની મહિલાઓ સહિત 2 પુરુષોની પણ ધરપકડ કરી છે. આ ગેંગ દ્વારા પટેલ બિલ્ડરને ફસાવી દેવાનો કારસો ઘડવામાં આવ્યો હતો. પરંતુ પાટણ B ડિવિઝન પોલીસે ગેંગને પકડીને આ મામલે ઊંડી તપાસ શરુ કરી છે.