Special Session of Parliament| સંસદનું પાંચમું વિશેષ સત્ર આજે શરુ થઈ રહ્યું છે. લોકસભાની કાર્યવાહી શરુ થાય તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીડિયા સમક્ષ દેશની પ્રગતિ અને સિદ્ધી અંગે વાત કરી છે. તેમણે G20 અને ચંદ્રયાનની સફળતા પર વાત કરી હતી. મહત્વનું છે કે, સંસદના બન્ને ગૃહમાં 75 વર્ષની સંસદીય યાત્રા પર એક સાથે ચર્ચા કરાશે. કેન્દ્ર સરકારે આ વિશેષ સત્રનો એજન્ડા પણ જારી કર્યો છે, જેમાં ચાર બિલનો સમાવેશ થાય છે, જેને રજૂ કરવામાં આવશે.
વડાપ્રધાન મોદીએ સત્ર શરુ થતા પહેલા મીડિયા સાથે વાત કરીને જણાવ્યું કે, G20ની અભૂતપૂર્વ સફળતા, 60થી વધુ સ્થળો પર દુનિયાના નેતાઓનું સ્વાગત, મંથન અને ટ્રૂ સ્પિરિટમાં ફેડરલ સ્ટ્રક્ચરનો જીવંત અનુભવ, ભારતની વિવિધતા, ભારતની વિવિધતા.. G20 ભારતની વિવિધતાનું સેલિબ્રેશન બન્યું. G20માં ભારત એ વાત પર ગર્વ કરશે કે ગ્લોબલ સાઉથનો અવાજ બન્યા, આફ્રિકન યુનિયનને સ્થાઈ સભ્યતા તથા G20માં તમામ દેશોની સર્વસહમતીથી જાહેરાત, આ તમામ બાબતો ભારતના ઉજ્વળ ભવિષ્યનો સંકેત આપે છે. ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર રાષ્ટ્રને સમર્પિત કરાયું તે અંગે પણ તેમણે વાત કરી છે.
આજે ભારતમાં નવા આત્મવિશ્વાસનો અનુભવ આપણે કરી રહ્યા છીએ ત્યારે સંસદનું આ સત્ર ભલે નાનું છે પરંતુ સમયના હિસાબે ઘણું જ મોટું છે. ઐતિહાસિક નિર્ણયોનું આ સત્ર છે. આ સાથે તેમણે સત્રની વિશેષતા વિશે વાત કરીને 75 વર્ષની યાત્રા નવા અભિગમ સાથે આરંભ થઈ રહી હોવાનું જણાવ્યું છે. નવા સ્થાન પર યાત્રાને આગળ વધારાતા નવા સંકલ્પ સાથે 2047માં આ દેશને વિકસિત દેશ બનાવીને જ રહેવું છે. જેના માટે હવે જે નવા નિર્ણયો થવાના છે તે આ સંસદ ભવનમાં થવાના છે. માટે જ અનેક પ્રકારે આ સત્ર મહત્વપૂર્ણ છે.
ગયા રવિવારે કેન્દ્ર સરકાર દ્વારા સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં 34 પક્ષોના 51 નેતાઓ સામેલ થયા હતા. બેઠકમાં લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ મહિલા અનામત બિલની માંગ કરી, જેના પર પ્રતિક્રિયા આપતા સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
આપને જણાવી દઈએ કે આ એક નિયમિત સત્ર છે એટલે કે વર્તમાન લોકસભાનું 13મું સત્ર અને રાજ્યસભાનું 261મું સત્ર છે. આ માટે ઘણાં મોટા રાજકીય પક્ષોએ તેમના પક્ષના સાંસદોને વિશેષ સત્ર દરમિયાન હાજર રહેવા માટે વ્હિપ જારી કર્યું છે. તે જ સમયે, સરકાર દ્વારા બોલાવવામાં આવેલા આ સત્રને લઈને વિપક્ષ ઘણાં સવાલો ઉઠાવી રહ્યો છે. એવી અપેક્ષા છે કે સરકાર આ વિશેષ સત્ર દરમિયાન વન નેશન વન ઇલેક્શન સંબંધિત બિલ લાવી શકે છે. જોકે, સરકાર દ્વારા માત્ર એજન્ડા બહાર પાડવામાં આવ્યો છે. તેમાં ક્યાંય આનો ઉલ્લેખ નથી. સર્વપક્ષીય બેઠકમાં કેન્દ્ર સરકારે વિપક્ષને સમર્થનની અપીલ કરી છે.