શાહજહાં શેખ અને તેના માણસો પાર્ટીની મિટિંગના બહાને તેમને ગમતી કોઈપણ મહિલાને તેમની ઓફિસમાં બોલાવતા. બે દિવસ, ત્રણ દિવસ, ચાર દિવસ, જ્યાં સુધી મન થાય ત્યાં સુધી તે ઓફિસમાં જ રાખતા. જો કોઈ મહિલા બોલાવવાથી ન આવે તો તેને ઘરેથી ઉપાડી લેતા. મને 3-4 વખત ઓફિસે બોલાવી. શરૂઆતમાં હું ગઈ નહીં, પરંતુ તે લોકોએ મારા પતિને ઉપાડી લીધો. તેને માર માર્યો. હું શું કરું.’
પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં આવી સેંકડો કહાની છે. આ કહાનીઓમાં ફક્ત પીડિતા જ બદલાય છે, દરેકની વાર્તા સરખી જ હોય છે. સંદેશખાલી, જે ઉત્તર 24 પરગણા જિલ્લામાં આવે છે, તે મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી નેતા શાહજહાં શેખનો વિસ્તાર છે.
શાહજહાં અને તેના બે સહયોગી શિબુ હાઝરા અને ઉત્તમ સરદાર પર મહિલાઓ સાથે ગેંગરેપ કરવાનો આરોપ છે. આ કેસમાં પોલીસે શિબુ હાઝરા અને ઉત્તમ સરદાર સહિત 18 લોકોની ધરપકડ કરી છે. શાહજહાં શેખ હજુ ફરાર છે. હાઈકોર્ટે મંગળવારે શાહજહાંની ધરપકડ ન કરવા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. જણાવ્યું હતું કે આ સમસ્યાનું મૂળ કારણ જે વ્યક્તિ હોવાનું કહેવાય છે તે હજુ સુધી પકડાયો નથી.
18 વર્ષની હોય કે 40 વર્ષની, જે પણ મહિલા ગમતી, તેને ઉઠાવી લેતા
પાત્રોપાડાની એક મહિલા કહે છે, ‘શાહજહાં શેખના લોકો તેને બળજબરીથી પાર્ટી ઓફિસમાં બોલાવતા હતા. અહીં પાર્ટીની મિટિંગ થતી, જેમાં ગામના તમામ લોકોને જવાનું થતું. જેઓ નહોતા જતા તેમને માર મારતા હતા. મિટિંગ બાદ પુરુષોને ઘરે મોકલી દેતા અને મહિલાઓને ત્યાં રોકતા. તેમની સાથે ખોટાં કામો કરતાં. કેટલીક મહિલા ઓફિસમાં આવવાની ના પાડતી, તો તેના પતિને ઉપાડી લેતા.’
શું આ બધું યુવાન છોકરીઓ સાથે પણ થયું હતું? મહિલા કહે છે, ‘આ બધું નાની છોકરીઓ સાથે નહોતું થયું, પરંતુ 18 વર્ષની, 20 વર્ષની છોકરીઓ અને 30-40 વર્ષની મહિલાઓ સાથે થઈ રહ્યું હતું. કોઈ પણ ઉંમરની હોય, જે મહિલા તેમને ગમી જાય, તેને ઉઠાવી લેતા.