સાઉથના ફિલ્મો બાદ હવે બોલીવુડને જાગ્યો ગુજરાતી ફિલ્મોમાં રસ, ગુજરાતી ફિલ્મ વસનું રીમેક શૈતાન બનાવ્યું

by Bansari Bhavsar
Shaitaan, Latest News - News Inside (4)

જય દેવગણ, આર. માધવન અને જ્યોતિકા સ્ટારર ફિલ્મ ‘શૈતાન’નું ટ્રેલર જોયા બાદ ચાહકો ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ટ્રેલરને સોશિયલ મીડિયા પર પણ જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. જો કે, ટ્રેલર જોયા પછી, સૌથી વધુ ચર્ચા અજય દેવગનની ઓનસ્ક્રીન પુત્રી બનેલી અભિનેત્રી જાનકી બોડીવાલાની થઈ રહી છે, જેણે પોતાના જોરદાર અભિનયથી લોકોના દિલ જીતી લીધા છે.

ચાલો જાણીએ કોણ છે જાનકી બોડીવાલા જેના પર શૈતાન આર. માધવને કાળો જાદુ કરીને તેના દિલ અને દિમાગને પોતાના વશમાં કરી લીધા છે.

કોણ છે જાનકી બોડીવાલા?

ફિલ્મ ‘શૈતાન’માં અજય દેવગનની ઓનસ્ક્રીન દીકરીનો રોલ કરી રહેલી જાનકી બોડીવાલા ગુજરાતના અમદાવાદની રહેવાસી છે. 30 ઓક્ટોબર 1995ના રોજ જન્મેલી જાનકીએ ગોએન્કા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેન્ટલ સાયન્સમાંથી બેચલર ઑફ ડેન્ટલ સાયન્સ (BDS) કર્યું છે. જોકે તેની રુચિ શરૂઆતથી જ ફિલ્મોમાં અભિનયમાં હતી.

 

 

જાનકી બોડીવાલાએ 2015ની સુપરહિટ ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો દિવસ’થી તેની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. એ પછી તેણે અનેક ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. છેલ્લે તે ‘શૈતાન’ જેના પરથી બની છે તે ઓરિજિનલ ગુજરાતી ફિલ્મ ‘વશ’માં પણ હિતુ કનોડિયા અને નીલમ પંચાલની દીકરીનો રોલ કર્યો હતો, જેને હવે તે હિન્દીમાં પણ ભજવી રહી છે.

 

જાનકી બોડીવાલાએ અત્યાર સુધી ઘણી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં છૂટી જશે છક્કા, તારા માટે વન્સ મોર, બહુ ના વિચાર જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. હવે અભિનેત્રી ‘શૈતાન’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. જાનકી વર્ષ 2019માં મિસ ઈન્ડિયાનો પણ ભાગ બની ચૂકી છે અને તે ગુજરાતની ત્રણ ફાઇનલિસ્ટમાંની એક હતી.

 

જાનકી બોડીવાલાએ ગયા વર્ષે રિલીઝ થયેલી ગુજરાતી સુપરનેચરલ હોરર થ્રિલર ફિલ્મ ‘વશ’માં તેના શાનદાર અભિનયથી દર્શકોને ચોંકાવી દીધા હતા. આ ફિલ્મમાં તેણે શાનદાર પાત્ર ભજવ્યું હતું. હવે અભિનેત્રી ‘વશ’ ફિલ્મની હિન્દી રિમેક ‘શૈતાન’માં ફરી આ પાત્ર ભજવવા જઈ રહી છે. આ ફિલ્મમાં જાનકી બોડીવાલાએ અજય દેવગન અને જ્યોતિકાની દીકરીનો રોલ કર્યો છે.

આર. માધવને ‘શૈતાન’માં પોતાના ભયાનક લુકથી દર્શકોને ચોંકાવી દીધા છે. ગુજરાતી ફિલ્મમાં આ પાત્ર સુપરસ્ટાર હિતેનકુમારે ભજવ્યું હતું. જાણકારોનો મત છે કે, હિતેનકુમારે આર.માધવન કરતા વધારે સારો અભિનય કર્યો હતો. હાલ તો શૈતાનનું ટ્રેલર રિલીઝ થતાની સાથે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યું છે. લોકો ટ્રેલરના ખૂબ વખાણ પણ કરી રહ્યા છે. કેટલાક લોકોએ આ ફિલ્મને આ વર્ષની બ્લોકબસ્ટર ફિલ્મ જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે, ‘શૈતાન’ જેના પરથી બની છે તે ગુજરાતી ફિલ્મ ‘વશ’માં હિતુ કનોડિયા, જાનકી બોડીવાલા, નીલમ પંચાલ હતા, અને સૌથી ખતરનાક અભિનય સુપરસ્ટાર હિતેનકુમારે કર્યો હતો. આ ફિલ્મની હિન્દી રિમેક ‘શૈતાન’માં આ પાત્ર આર. માધવન ભજવી રહ્યો છે. ગુજરાતી ફિલ્મ કૃષ્ણદેવ યાજ્ઞિકે ડિરેક્ટ કરી હતી, જ્યારે હિન્દી ‘શૈતાન’ ને ‘ક્વીન’ ફેઈમ વિકાસ બહેલે ડિરેક્ટર કરી છે. આગામી 8 માર્ચે તે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

Related Posts