અમદાવાદની SVP હોસ્પિટલનો હાઉસકિપિંગ સ્ટાફ હડતાલ ઉપર ઉતર્યો છે. સિંદુરી ફેબર નામની કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, તેમાં નોકરી કરતા કર્મચારીઓને રાતોરાત હાઉસકિપિંગના બદલાયેલા કોન્ટ્રાક્ટ વિશ્વા એન્ટરપ્રાઇઝમાં સમાવેશ કરવાને લઈને હાઉસકિપિંગના 150થી વધુ કર્મચારીઓ આજે 4 એપ્રિલની સવારથી SVP હોસ્પિટલના કેમ્પસમાં બેનરો લવાની હડતાલ પર ઉતર્યા છે. અમદાવાદ પશ્ચિમ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ભરત મકવાણા તેમના સમર્થનમાં આવ્યા છે. બેનરમાં લખ્યું છે કે, SVP હોસ્પિટલના હાઉસકિપિંગમાં કામ કરતા કોન્ટ્રાક્ટ કામદારોને કાયમી કામદારોનો દરજ્જો આપી અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબુદ કરો.
કોન્ટ્રાક્ટર દ્વારા કંપનીના કર્મચારીઓને લેવામાં તો આવે છે પરંતુ તેઓ દ્વારા તેવું કહેવામાં આવે છે કે, અમે જૂનો કચરો લઈએ છીએ. એટલે કે શું આ કર્મચારીઓ કચરો છે? શું આ બહેનો કચરો છે? મને ખ્યાલ છે ત્યાં સુધી વર્ષ 1995થી કર્મચારીઓ અહીંયા નોકરી કરી રહ્યા છે. તેઓને કાયમી કરવા જોઈએ. ક્યાં સુધી તેઓને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર રાખવામાં આવશે? તેમનો અધિકાર છે, તેઓ કોઈની પાસે ભીખ નથી માંગી રહ્યાં. કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરતા કર્મચારીઓનું કેટલું શોષણ થાય છે તેનું વર્ણન થઈ શકે તેમ નથી. મારી ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ચીમકી છે કે, જો આ રીતે જ વર્તન ચાલુ રહેશે તો આ આંદોલન ઉગ્ર બનશે. માત્ર ચોથા વર્ગના જ કર્મચારી નહીં, પરંતુ બીજા અને ત્રીજા વર્ગના કર્મચારીને પણ હડતાલમાં જોડીશું.