અમદાવાદ: સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અબુ ધાબીથી આવેલા બે મુસાફરો પાસેથી રૂપિયા 2 કરોડ 77 લાખથી વધુ કિંમતનું 3,050 ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું છે. મુસાફરોએ આ સોનું તેમના જીન્સમાં છુપાવ્યું હતું, પરંતુ સિક્યુરિટી ચેકિંગ દરમિયાન તેઓ પકડાઈ ગયા હતા.

સોનાની દાણચોરીનું હબ બન્યું અમદાવાદ એરપોર્ટ?
આ ઘટનાએ ફરી એકવાર અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરીના વધતા જતા કિસ્સાઓ તરફ ધ્યાન દોર્યું છે. આ વર્ષે 1 જાન્યુઆરીથી 12 માર્ચ સુધીના માત્ર 71 દિવસમાં જ 9.38 કરોડ રૂપિયાનું 11,623.27 ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન સોનાની દાણચોરીના કુલ 18 કેસ નોંધાયા છે, જે દર્શાવે છે કે સરેરાશ દર ચોથા દિવસે એરપોર્ટ પરથી સોનું ઝડપાઈ રહ્યું છે.
અરબ દેશોમાંથી સોનાની દાણચોરીનું પ્રમાણ વધ્યું
અબુ ધાબી, જેદ્દાહ, દુબઈ, કુવૈત અને બેંગકોક જેવા અરબ દેશોમાંથી આવતી ફ્લાઇટના મુસાફરો પાસેથી સૌથી વધુ સોનું જપ્ત કરવામાં આવ્યું છે. આ દેશોમાં સોનાની કિંમત ઓછી હોવાને કારણે, લોકો ડ્યુટી ચૂકવ્યા વિના સોનું ભારતમાં લાવવાનો પ્રયાસ કરે છે.
સુરક્ષા એજન્સીઓ સતર્ક
અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરીના વધતા જતા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે અને મુસાફરોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. પકડાયેલા બંને મુસાફરોની કસ્ટમ્સ વિભાગ દ્વારા વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ દાણચોરીના નેટવર્કને તોડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.