ગાંધીનગર: ગુજરાત પોલીસ દળમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર માટે ખુશીના સમાચાર આવ્યા છે. પોલીસ મહાનિદેશક અને ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ, વહીવટી વિભાગ દ્વારા તાજેતરમાં જ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોડ-૩ (વર્ગ-૩) ની ખાલી જગ્યાઓ ભરવા માટેની બઢતી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા અને નિયત લાયકાત ધરાવતા ૧૪૦ જેટલા આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (બિન હથિયારી) વર્ગ-૩ ના કર્મચારીઓને બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરના પદ પર હંગામી ધોરણે બઢતી આપવામાં આવી છે. આ બઢતીમાં નિયત થયેલ રેશિયો મુજબ ૩૫% જગ્યાઓ ભરવામાં આવી છે.
ગુજરાત હાઇકોર્ટના તા. ૨૦/૦૨/૨૦૨૫ ના મહત્વપૂર્ણ ચુકાદાને ધ્યાનમાં રાખીને આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જે બઢતીની પ્રક્રિયામાં પારદર્શિતા અને ન્યાય સુનિશ્ચિત કરે છે.
પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે, બઢતી પામેલા તમામ કર્મચારીઓને ટૂંક સમયમાં જ તેમના નામ સામે દર્શાવેલી જે તે કચેરીઓમાં નિમણૂક આપવામાં આવશે. આ સમાચારથી પોલીસ દળમાં ઉત્સાહનું મોજુ ફરી વળ્યું છે અને કર્મચારીઓમાં ફરજ પ્રત્યેની નિષ્ઠા વધુ પ્રબળ થશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.