ગુજરાત પોલીસ હવે આધુનિક ટેક્નોલોજીના સહારે ગુનેગારોને જાળમાં ફસાવશે. રાજ્યમાં ગુનાખોરીને નાથવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. પોલીસના હાથમાં એક એવું શસ્ત્ર આવ્યું છે, જે ગુનેગારોને છુપાવવાની તક નહીં આપે.
ગુજરાત પોલીસના ઇતિહાસમાં એક અત્યાધુનિક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. હવે, પોલીસની પીસીઆર વાન ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં, પોલીસનું ડ્રોન આકાશમાંથી નજર રાખશે. ડીજીપી વિકાસ સહાય દ્વારા આ ડ્રોન પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઝઘડા, મારામારી, અને અન્ય ગુનાહિત ઘટનાઓનું ડ્રોન કેમેરા દ્વારા જીવંત રેકોર્ડિંગ થશે. પોલીસને ઘટનાની માહિતી મળતા જ ડ્રોન કેમેરો તુરંત ઘટનાસ્થળે મોકલવામાં આવશે.
ગુનેગારો હવે આકાશમાંથી પણ નજરકેદમાં!
ગુજરાત પોલીસ ડ્રોન રિસ્પોન્સ એન્ડ એરિયલ સર્વેલન્સ ટેક્ટિકલ ઇન્ટેલિજન્સ – એટલે કે ‘જી.પી. દ્રષ્ટિ’ નામનો આ પાયલોટ પ્રોજેક્ટ કેવી રીતે કામ કરશે તે જોઈએ. જ્યારે પોલીસને ફોન દ્વારા ઘટનાની જાણ થાય છે, જેમ કે કોઈ વિસ્તારમાં ઝઘડો અથવા મારામારીની માહિતી કંટ્રોલ રૂમમાં આવે છે, ત્યારે ડ્રોન તાત્કાલિક ઘટનાસ્થળે જવા માટે ઉડાન ભરશે. ત્યારબાદ, ડિજિટલ નકશા પર તે વિસ્તારને પસંદ કરવામાં આવશે જ્યાં ડ્રોન મોકલવાનું છે, અને ડ્રોન તે સ્થાન પર પહોંચીને લાઈવ ફીડ મોકલશે.