અમદાવાદ: શહેર પોલીસની નાર્કોટિક્સ વિરુદ્ધની ઝુંબેશ વધુ તેજ બની છે, જેના ભાગરૂપે શાહપુર વિસ્તારમાંથી પોલીસે ગેરકાયદેસર મેફેડ્રોનના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપી પાસેથી આશરે રૂ. ૧.૭૦ લાખની કિંમતનું ૧૭ ગ્રામ મેફેડ્રોન અને અન્ય વસ્તુઓ મળી કુલ રૂ. ૧.૯૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસ કમિશનર કચેરી દ્વારા શહેરને નશામુક્ત બનાવવાના પ્રયાસોના ભાગરૂપે ચાલી રહેલા “SAY NO DRUGS” મીશન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસને મળેલી બાતમીના આધારે સીનીયર પીઆઈ પી.બી. ખાંભલા અને સેકન્ડ પીઆઈ એચ.ડી. જાડેજાના માર્ગદર્શનમાં સર્વેલન્સ ટીમે શાહપુરના મીલ કમ્પાઉન્ડ વિસ્તારમાં વોચ ગોઠવી હતી.
દરમિયાન, બાતમીમાં જણાવેલ વર્ણન મુજબનો ભાઈ શેખ (ઉ.વ. ૩૯) નામનો શખ્સ એક્ટીવા સ્કૂટર પર શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે તેની તલાશી લેતા સ્કૂટરની ડેકીમાંથી મેફેડ્રોનનો જથ્થો મળી આવ્યો હતો.
આ મામલે શાહપુર પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં આ ગુનામાં સંડોવાયેલ દાનીશ મોહસીનખાન પઠાણ નામનો અન્ય એક આરોપી વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે, જેને પકડવા માટે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ દ્વારા આ દિશામાં વધુ તપાસ હાથ ધરીને ડ્રગ્સના આ નેટવર્કને તોડવા માટે પ્રયાસો ચાલુ છે.