સાળંગપુર: સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આગામી તા. ૧૧ અને ૧૨ એપ્રિલના રોજ હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ચૈત્રી પૂર્ણિમા અને શનિવારના શુભ સંયોગે યોજાનાર આ મહોત્સવમાં લાખો ભક્તો ઉમટે તેવી શક્યતા છે, જેને ધ્યાનમાં રાખી મંદિર દ્વારા રહેવા, જમવા અને પાર્કિંગની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
મંદિરના શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા અને કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શન હેઠળ યોજાનાર આ મહોત્સવ બે દિવસ ચાલશે.
૧૧મી એપ્રિલના કાર્યક્રમો:
* સવારે ૭:૩૦ કલાકે: રાજોપચાર પૂજન અને ૧૦૦૮ કિલો પુષ્પોથી કષ્ટભંજનદેવનો ભવ્ય અભિષેક.
* બપોરે ૪ કલાકે: ભવ્ય કળશ યાત્રા, જેમાં ૪ હાથી પર ઠાકોરજી બિરાજમાન થશે. હજારો મહિલા ભક્તો અભિષેકનું જળ મસ્તક પર ધારણ કરશે. ૨૫૧ પુરૂષ-મહિલા ભક્તો સાફા ધારણ કરશે અને ૧૦૮ બાળકો વિજયી ધ્વજ લહેરાવશે. આ પ્રસંગે આફ્રિકન સીદી ડાન્સ મુખ્ય આકર્ષણ રહેશે. ડી.જે., નાસિક ઢોલ અને બેન્ડવાજાની ટીમો ભક્તોને મંત્રમુગ્ધ કરશે. સંતો દ્વારા ૨૫૧ કિલો પુષ્પ અને ૨૫,૦૦૦ ચોકલેટોથી દર્શનાર્થીઓનું સ્વાગત કરવામાં આવશે.
* રાત્રે ૮:૩૦ કલાકે: કિંગ ઓફ સાળંગપુર ખાતે સમૂહ આરતી અને ઐતિહાસિક આતશબાજીથી દાદાનું સ્વાગત.
* રાત્રે ૯ કલાકે: ખ્યાતનામ કલાકાર જીગરદાન ગઢવીનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ “ડાન્સ વીથ ભક્તિ” કિંગ ઓફ સાળંગપુરના સાનિધ્યમાં યોજાશે.
૧૨મી એપ્રિલના કાર્યક્રમો (હનુમાન જયંતિ):
* સવારે ૫ કલાકે: મંગળા આરતી વખતે ભવ્ય આતશબાજી.
* સવારે ૭ કલાકે: કષ્ટભંજનદેવ દાદા સુવર્ણ વાઘા ધારણ કરી દર્શન આપશે.
* સવારે ૭:૩૦ કલાકે: ૫૧,૦૦૦ બલૂન ડ્રોપ દ્વારા ભક્તોનું સ્વાગત અને ૨૫૦ કિલો કેક કટિંગ. ડી.જે.ના તાલે ભક્તો હનુમાન ભક્તિમાં ઝૂમશે.
* સવારે ૭ કલાકે: સમૂહ મારુતિ યજ્ઞ, જેમાં વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદ દાસ અને ૧૦૦૦થી વધુ હરિભક્તો જોડાશે. દેશના ૫૦થી વધુ બ્રાહ્મણો યજ્ઞ કરાવશે.
* બપોરે ૧૧ કલાકે: મહાઅન્નકૂટ દર્શન.
* સવારે ૧૦ કલાકથી: મહાપ્રસાદનો પ્રારંભ.
* સાંજે ૭ કલાકે: મહાસંધ્યા આરતી, જેમાં હજારો દીવડાઓથી સામૂહિક આરતી કરવામાં આવશે.
મંદિરના સંતો દ્વારા દર્શનાર્થીઓની સુવિધા માટે રહેવા અને જમવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વિશાળ પાર્કિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેમાં એક સાથે ૧૦ હજારથી વધુ વાહનો પાર્ક કરી શકાશે. મહોત્સવના સુચારૂ સંચાલન માટે ૩૦૦૦થી વધુ સ્વયંસેવકો ખડેપગે સેવા આપશે.
હરિપ્રકાશ સ્વામીએ ભક્તોને આ મહાન મહોત્સવમાં પધારવા માટે ભાવભર્યું આમંત્રણ આપ્યું છે.