અમદાવાદ: શહેર પોલીસ કમિશ્નરની સૂચનાથી અમદાવાદ પોલીસે ગેરકાયદેસર દારૂના વેચાણ અને હેરાફેરી સામે ચાલી રહેલી ઝુંબેશને વધુ તીવ્ર બનાવી છે. ભૂતકાળમાં જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં પકડાયેલા અને કોર્ટમાં પેન્ડિંગ રહેલા આશરે 15 લાખ રૂપિયાની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે.
ઝોન 6ના સંયુક્ત પોલીસ કમિશ્નર શ્રી જયપાલ સિંહ રાઠોડ અને નાયબ પોલીસ કમિશ્નર શ્રી રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે ડિવિઝન અને કે ડિવિઝનના એસીપીના દેખરેખ હેઠળ મણિનગર, ઇસનપુર, વટવા, જીઆઇડીસી વટવા, કાગડાપીઠ, દાણીલીમડા અને નારોલ પોલીસ સ્ટેશનોમાં છેલ્લા એક વર્ષમાં પકડાયેલા દારૂના જથ્થાનો નાશ કરવા માટે કોર્ટમાંથી મંજૂરી મેળવવામાં આવી હતી.
ઝોન 6 ડીસીપી શ્રી રવિ મોહન સૈની, સિટી એસડીએમ વસંતકુંવરબા પરમાર, મામલતદાર શ્રી રણજીતસિંહ મોરી અને નશાબંધી વિભાગના અધિકારીઓની હાજરીમાં નારોલ નજીકના ચોસર ગામના સરકારી ખરાબાની જમીનમાં આ દારૂ પર રોલર ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો હતો.
નાશ કરાયેલા દારૂમાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા 111 ગુનાઓમાં કબજે કરાયેલી 5,963 બોટલોનો સમાવેશ થાય છે, જેની કુલ કિંમત 15 લાખ 36 હજાર 92 રૂપિયા હતી. સૌથી વધુ દારૂ વટવા પોલીસ સ્ટેશનના કેસમાં પકડાયો હતો, જેની કિંમત 6 લાખ 73 હજાર રૂપિયાથી વધુ હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, આ પહેલા પણ ઝોન 6 વિસ્તારમાં ગયા વર્ષે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં મોટી માત્રામાં ગેરકાયદેસર દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. છેલ્લા બે વર્ષમાં આ વિસ્તારમાં આશરે સવા ત્રણ કરોડ રૂપિયાની કિંમતનો પેન્ડિંગ દારૂનો નાશ કરવામાં આવ્યો છે, જે ગેરકાયદેસર દારૂના વેપલા સામે પોલીસની સતત કાર્યવાહીનો પુરાવો છે.