અમદાવાદમાં ઘાટલોડિયા પોલીસે ક્રિકેટ સટ્ટા રેકેટનો પર્દાફાશ કર્યો, બે આરોપીની ધરપકડ

by Bansari Bhavsar

અમદાવાદ: ઘાટલોડિયા પોલીસે ગુરુવારે એક ઓપરેશન હાથ ધરીને ક્રિકેટ સટ્ટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ કેસમાં બે આરોપીની ધરપકડ કરી છે અને તેમની પાસેથી સટ્ટા માટે વપરાયેલા મોબાઈલ ફોન જપ્ત કર્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, તેઓને બાતમી મળી હતી કે કેટલાક લોકો ગુરુકુલ રોડ સ્થિત આઈવેરી ટેરેસ કેફેમાં બેસીને આઈપીએલ 2025 ટી-20 ક્રિકેટ મેચ પર મોબાઈલ ફોન દ્વારા સટ્ટો રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે કેફે પર દરોડો પાડ્યો હતો અને બે આરોપીઓને રંગે હાથે ઝડપી પાડ્યા હતા.

ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ વિશ્વાસ તીરથકુમાર બારોટ (ઉંમર 23) અને રીકી ભરતભાઈ પટેલ (ઉંમર 28) તરીકે થઈ છે. પોલીસે આરોપીઓ પાસેથી બે મોંઘા મોબાઈલ ફોન જપ્ત કર્યા છે, જેમાં સટ્ટાના વ્યવહારો મળી આવ્યા છે. એક ફોનમાં રૂ. 63,737.22નું બેલેન્સ હતું, જ્યારે અન્ય બે ફોનમાં રૂ. 1,80,999.87 અને રૂ. 2,00,571.05નું બેલેન્સ મળી આવ્યું હતું. જપ્ત કરાયેલા બંને મોબાઈલ ફોનની કિંમત આશરે રૂ. 90,000 હોવાનું પોલીસે જણાવ્યું છે.

ઘાટલોડિયા પોલીસે આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઓપરેશન પોલીસ કમિશનર જી.એસ. મલિક અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું.

Related Posts