બોડકદેવની ઘટના: ઓફિસમાં તિજોરી તોડી ચોરી, પોલીસ તપાસ શરૂ

સિંધુ ભવન રોડ પર આવેલી ઓફિસમાં ચોરી, ૨૫ લાખથી વધુની રોકડ ગાયબ

by Bansari Bhavsar

અમદાવાદ: શહેરના પોશ વિસ્તાર બોડકદેવમાં એક કન્સ્ટ્રક્શન કંપનીના કાર્યાલયમાં ચોરીની મોટી ઘટના સામે આવી છે. અજાણ્યા તસ્કરોએ ઓફિસમાં ઘૂસીને તિજોરી તોડી અને અંદાજે ૨૫,૭૩,૫૫૯ રૂપિયાની રોકડ રકમની ચોરી કરી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ચોરીની ઘટના ૯ એપ્રિલ, ૨૦૨૫ના રોજ રાત્રે ૮:૦૦ વાગ્યાથી ૧૦ એપ્રિલ, ૨૦૨૫ના રોજ સવારે ૯:૨૦ વાગ્યાની વચ્ચે બની હતી. હરિઓમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની કંપનીના ભાગીદાર રવિભાઈ રામલભાયા વર્માએ આ અંગે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, રવિભાઈ વર્મા અને તેમના ભાગીદારોની સિંધુ ભવન રોડ પર એરિસ્ટા બિલ્ડિંગમાં ઓફિસ આવેલી છે. દરરોજની જેમ તેઓ ૯ એપ્રિલની સાંજે ઓફિસ બંધ કરીને ગયા હતા. ઓફિસ ખોલવાની ચાવી પટ્ટાવાળા સંજુનાથ ઉર્ફે સંજયભાઈ રાવળ પાસે રહેતી હતી, જેઓ દરરોજ તેમના મોટાભાઈ મહેશભાઈના ઘરેથી ચાવી લઈને ઓફિસ ખોલતા હતા.

૧૦ એપ્રિલની સવારે મહેશભાઈએ રવિભાઈને ફોન કરીને જાણ કરી કે સંજયભાઈએ ઓફિસ ખોલી ત્યારે દરવાજો ખુલ્લો હતો અને તિજોરી તૂટેલી હાલતમાં હતી. તાત્કાલિક તેઓ ઓફિસે પહોંચ્યા અને કેશ રૂમમાં તપાસ કરતાં તિજોરીમાંથી ૨૫,૭૩,૫૫૯ રૂપિયા ગાયબ હતા.

બોડકદેવ પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસ સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓ દ્વારા ચોરોને પકડવા પ્રયાસ કરી રહી છે. આ ઘટનાએ શહેરની સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલો ઉભા કર્યા છે.

Related Posts