અમદાવાદ: સોલા હાઈકોર્ટ પોલીસે એક એવા આરોપીને ઝડપી પાડ્યો છે જેણે સરકારી વકીલ તરીકેની ખોટી ઓળખ આપીને લોકોને છેતર્યા હતા. આરોપી મયંકભાઈ મનસુખભાઈ સંઘાણી માત્ર છેતરપિંડીમાં જ નહીં, પરંતુ એક હત્યાના કેસમાં પણ વોન્ટેડ હતો અને પેરોલ જમ્પ કરીને ફરાર થઈ ગયો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, શહેર પોલીસ કમિશનર અને સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર-૧ દ્વારા છેતરપિંડીના ગુનાઓ પર અંકુશ લાવવા માટે વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડે તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન, પોલીસને બાતમી મળી હતી કે મયંકભાઈ સંઘાણી નામનો વ્યક્તિ સરકારી વકીલ તરીકેની ખોટી ઓળખ આપીને લોકોને છેતરી રહ્યો છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને ઝડપી પાડ્યો હતો.
પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપી અગાઉ એક હત્યાના કેસમાં સંડોવાયેલો હતો અને પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થઈ ગયો હતો. આરોપીએ પ્રિયા નામની મહિલાને પણ છેતરી હતી, જેના પતિ છેડતી અને પોક્સોના કેસમાં જેલમાં છે. આરોપીએ જામીન અપાવવાની લાલચ આપીને મહિલા પાસેથી ૨૦,૦૦૦ રૂપિયા પડાવી લીધા હતા.
પોલીસે આરોપી પાસેથી બે મોબાઈલ ફોન જપ્ત કર્યા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ એ પણ શોધી રહી છે કે આરોપીએ અન્ય કેટલા લોકોને આ રીતે છેતર્યા છે.
આરોપી સામે અગાઉ જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યા, અપહરણ અને છેતરપિંડીનો ગુનો નોંધાયેલો છે