રાષ્ટ્રપતિ સાથે સાંસદ ધવલભાઈ પટેલની પોર્ટુગલ અને સ્લોવાકિયાની સફળ યાત્રા

by Bansari Bhavsar

વલસાડ: ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુરમુજી સાથે વલસાડ-ડાંગના લોકસભા સાંસદ શ્રી ધવલભાઈ પટેલની પોર્ટુગલ અને સ્લોવાકિયાની પાંચ દિવસીય વિદેશ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. તારીખ ૬ઠ્ઠી એપ્રિલથી ૧૧મી એપ્રિલ દરમિયાન યોજાયેલી આ યાત્રા દરમિયાન રાષ્ટ્રપતિજીના નેતૃત્વમાં ગયેલા પ્રતિનિધિ મંડળમાં સાંસદ શ્રી ધવલભાઈ પટેલનો પણ સમાવેશ થતો હતો.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર યુવા અને શિક્ષિત સાંસદોને વિશેષ પ્રોત્સાહન આપી રહી છે, જેના ભાગરૂપે રાષ્ટ્રપતિજી સાથે આ પ્રતિષ્ઠિત વિદેશ યાત્રા માટે દેશના માત્ર બે સાંસદોની પસંદગી કરવામાં આવી હતી, જેમાં શ્રી ધવલભાઈ પટેલ અને શ્રીમતી સંધ્યા રાયનો સમાવેશ થાય છે.

પોર્ટુગલ અને સ્લોવાકિયામાં ભારતના રાષ્ટ્રપતિ અને પ્રતિનિધિ મંડળનું ઉચ્ચ સ્તરીય સ્વાગત કરવામાં આવ્યું હતું અને બંને દેશોની સરકારો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

આ યાત્રા દરમિયાન સાંસદ શ્રી ધવલભાઈ પટેલ અને પ્રતિનિધિ મંડળે બંને દેશોના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. આ ઉપરાંત, પ્રતિનિધિ મંડળે બંને દેશોની સંસદ ભવનની મુલાકાત લીધી હતી અને લોકસભાના સ્પીકરો અને અધ્યક્ષો સાથે પણ શુભેચ્છા મુલાકાત કરી હતી. બંને દેશોના રાષ્ટ્રપતિ દ્વારા આયોજિત ગાલા ડિનરમાં પણ સાંસદ શ્રી પટેલે સહભાગી થયા હતા.

રાષ્ટ્રપતિ શ્રીમતી મુરમુના નેતૃત્વમાં યોજાયેલી દ્વિપક્ષીય વાર્તાલાપમાં સાંસદ શ્રી ધવલભાઈ પટેલે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં બંને દેશો વચ્ચેના રાજકીય અને વ્યાપારિક સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

પોર્ટુગલ અને સ્લોવાકિયામાં વસતા ભારતીય સમુદાય દ્વારા રાષ્ટ્રપતિ અને પ્રતિનિધિ મંડળ માટે વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

વિદેશ પ્રવાસ દરમિયાન સાંસદ શ્રી ધવલભાઈ પટેલે સ્લોવાકિયા ખાતે આવેલી ટાટા ગ્રુપની જગુઆર લેન્ડ રોવર કંપનીની મુલાકાત લીધી હતી અને ત્યાં કાર્યરત ભારતીય કામદારો સાથે વાતચીત કરી તેમના અને તેમના પરિવારના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી. આ ઉપરાંત, તેમણે રાષ્ટ્રપતિજી સાથે ક્રુઝ બોટમાં યાત્રા કરી સ્લોવાકિયાના ઐતિહાસિક અને સુંદર સ્થળો નિહાળ્યા હતા. પ્રતિનિધિ મંડળે લિસ્બન મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ મુલાકાત લીધી હતી અને મેયર સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુરમુજી સાથે સાંસદ શ્રી ધવલભાઈ પટેલ અને પ્રતિનિધિ મંડળની આ યાત્રાથી પોર્ટુગલ અને સ્લોવાકિયા સાથે ભારતના રાજકીય અને વ્યાપારિક સંબંધોમાં એક નવું સીમાચિહ્ન સ્થાપિત થશે. વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલની આ ઐતિહાસિક વિદેશ યાત્રાને લઈને તેમના મતવિસ્તારના લોકો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને ઉમંગની લાગણી જોવા મળી રહી છે.

Related Posts