અમદાવાદ: વિરાટનગરમાંથી ૧૮ બોટલ દારૂ અને ૩૨૮ બીયર ટીન સાથે એક ઝડપાયો

by Bansari Bhavsar

અમદાવાદ: શહેર ક્રાઈમ બ્રાન્ચે વિરાટનગર ચાર રસ્તા ઓવરબ્રીજ નજીકના પાર્કિંગમાં દરોડો પાડીને વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો છે અને એક વ્યક્તિની ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે ઓવરબ્રીજ નીચે પાર્કિંગમાં એક બોલેરો જીપમાં દારૂનો જથ્થો લાવવામાં આવ્યો છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને દરોડો પાડ્યો હતો અને જીપમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની ૧૮૦ મી.લી.ની ૧૮ બોટલ અને ૩૨૮ બીયર ટીન મળી આવ્યા હતા, જેની કુલ કિંમત રૂ. ૪૩,૩૧૬ થાય છે. આ સાથે પોલીસે જીપ અને અન્ય મુદ્દામાલ મળીને કુલ રૂ. ૫,૯૩,૩૭૮નો જથ્થો જપ્ત કર્યો છે.

પોલીસે પ્રવિણકુમાર કાવાજી બોડાત નામના ૩૦ વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી છે, જે રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાનો રહેવાસી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ દારૂનો જથ્થો ચંપાબેન નામની વ્યક્તિએ મોકલ્યો હતો, જે હાલમાં વોન્ટેડ છે.

ક્રાઈમ બ્રાન્ચે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો. આ ઘટના શહેર પોલીસની પ્રોહિબિશન અને જુગારની બદીને ડામવાની ઝુંબેશનો એક ભાગ છે.

 

Related Posts