અમદાવાદ: ગુજરાત પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) ની ભરતી માટે આજે લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના અમદાવાદ, વડોદરા અને સુરત શહેરોની કુલ 340 શાળાઓમાં આ પરીક્ષા યોજાઈ રહી છે. બિન હથિયારી PSI ની કુલ 472 જગ્યાઓ માટે આયોજિત આ લેખિત પરીક્ષામાં આજે કુલ 1 લાખ 2 હજાર 935 ઉમેદવારો પોતાની કિસ્મત અજમાવશે.
આ પરીક્ષામાં એ જ ઉમેદવારો ભાગ લઈ રહ્યા છે જેમણે જાન્યુઆરી-ફેબ્રુઆરી 2025 દરમિયાન યોજાયેલી શારીરિક કસોટી સફળતાપૂર્વક પાસ કરી છે. પરીક્ષાની પ્રક્રિયાને પારદર્શક અને સુરક્ષિત રાખવા માટે તમામ પરીક્ષા કેન્દ્રો અને વર્ગખંડો CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, પરીક્ષા સામગ્રીની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતા તમામ વાહનોનું GPS દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.
મહત્વની વાત એ છે કે પોલીસ સબ ઈન્સ્પેક્ટરની આ ભરતી માટે અગાઉ પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવી હતી અને તેમાં સફળ થયેલા ઉમેદવારોને જ લેખિત પરીક્ષામાં બેસવાની તક મળી છે. આમ, 472 જગ્યાઓ માટે આજે 1 લાખ 2 હજાર 935 ઉમેદવારો લેખિત પરીક્ષા આપી રહ્યા છે, જે સ્પર્ધાની તીવ્રતા દર્શાવે છે. પરીક્ષા શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.