કુબેરનગરમાંથી અજાણ્યા પુરુષની કોહવાયેલી લાશ મળી, ઓળખ માટે પોલીસની તપાસ

by Bansari Bhavsar

અમદાવાદ: સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુબેરનગર આઈ.ટી.આઈના એ.વી.ટી.એસ બિલ્ડીંગ પાછળ એક અજાણ્યા પુરૂષની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ અંગે અ.મોત નં-૧૩/૨૦૨૫ બી.એન.એસ.એસ કલમ-૧૯૪ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસને તા. ૧૩/૦૪/૨૦૨૫ ના રોજ સાંજે ૫:૦૦ વાગ્યા પહેલા માહિતી મળી હતી કે કુબેરનગર આઈ.ટી.આઈના એ.વી.ટી.એસ બિલ્ડીંગની પાછળ આઈ.ટી.આઈની કોટ અને તેને સમાંતર આવેલી રેલવેની કોટ વચ્ચે એક પુરૂષનું મૃતદેહ પડ્યો છે. મૃતદેહ સંપૂર્ણપણે કોહવાયેલી હાલતમાં હતો.

પોલીસે લાશનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરના પ્રાથમિક અભિપ્રાય મુજબ મૃતકની ઉંમર આશરે ૫૦ થી ૬૦ વર્ષની હોવાનું જણાય છે અને તેમનું મૃત્યુ અંદાજે અઢી થી ત્રણ મહિના પહેલા થયું હોવાનું અનુમાન છે.

મૃતકે કોફી કલરનો ચડ્ડો અને સફેદ કલરનો શર્ટ પહેર્યો હતો, જેના પર વનસ્પતિના સુકા પાંદડા જેવી પીળા કલરની ડિઝાઇન હતી. વધુમાં, મૃતકના જમણા પગે પાનીથી ઉપરના ભાગે કાળા કલરનો દોરો બાંધેલો હતો.

પોલીસ તપાસમાં મૃતકની ઓળખ થઈ શકી નથી અને તેમના વાલીવારસ પણ મળી આવ્યા નથી. આથી, પોલીસે લાશને ઓળખ માટે આગામી સાત દિવસ સુધી સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજ રૂમમાં રાખવામાં આવી છે.

સરદારનગર પોલીસે આ અંગે ગુમ થયેલા વ્યક્તિઓની નોંધ સાથે સરખામણી કરીને તપાસ હાથ ધરી છે. જો કોઈ વ્યક્તિને આ મૃતક અંગે કોઈ માહિતી મળે તો સરદારનગર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.

Related Posts