અમદાવાદ: અમદાવાદ શહેરને આગની ઘટનાઓ સામે વધુ સુરક્ષિત બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના દરેક 10 કિલોમીટરના અંતરે એક ફાયર સ્ટેશન બનાવવાની યોજના અંતર્ગત, ચાલુ વર્ષે શહેરમાં નવા 5 ફાયર સ્ટેશન સ્થાપવાનું આયોજન કરવામાં આવ્યું છે.
હાલમાં અમદાવાદ શહેરમાં કુલ 19 ફાયર સ્ટેશન કાર્યરત છે. આ નેટવર્કને વધુ મજબૂત બનાવવા માટે રાણીપ, લાંભા, શાહીબાગ, રામોલ-હાથીજણ અને સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ કિનારે પાંચ નવી ફાયર ચોકીઓ બનાવવામાં આવશે.
વધુમાં, હાલમાં ₹36 કરોડના ખર્ચે ગોતા અને ત્રાગડમાં નવા ફાયર સ્ટેશન બનાવવાની કામગીરી અંતિમ તબક્કામાં છે. આ ઉપરાંત, શહેરના પાંચકુવા અને દાણાપીઠ સ્થિત જૂના ફાયર સ્ટેશનના રીનોવેશનની કામગીરી પણ ચાલી રહી છે.
AMC દ્વારા લાંભા, રામોલ, હાથીજણ અને શાહીબાગ ખાતે નવા ફાયર સ્ટેશન બનાવવા માટે ₹54 કરોડનો ખર્ચ કરવામાં આવશે. વટવા GIDCમાં પણ આશરે ₹1.50 કરોડના ખર્ચે એક નવું ફાયર સ્ટેશન બનાવવાનું આયોજન છે.
ફાયર વિભાગને વધુ સજ્જ કરવા માટે AMC દ્વારા કુલ ₹125.30 કરોડના ખર્ચે 12 નવા વોટર બાઉઝર (અલગ-અલગ ક્ષમતાના), 3 ઇમરજન્સી રેસ્ક્યૂ ટેન્ડર, 2 ફોમ ટેન્ડર, 1 રેપીડ રિસ્પોન્સ વાહન, 4 બીએ કમ્પ્રેશર વાન અને 7 ડ્રોન સાથેના વાહન સહિત અન્ય અદ્યતન વાહનોની ખરીદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
શહેરના દરેક ખૂણે ઝડપથી પહોંચી શકાય તે માટે ફાયર સ્ટેશનના નેટવર્કને વિસ્તારવાનો AMCનો આ નિર્ણય આગની ઘટનાઓ સામે લડવામાં વધુ અસરકારક સાબિત થશે. આ પગલાંથી શહેરના નાગરિકોની સલામતીમાં નોંધપાત્ર વધારો થશે તેવું માનવામાં આવી રહ્યું છે.