અમદાવાદ પોલીસનો સપાટો: ૪૫ લાખની ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાયો, રીઢો તસ્કર ૨૭ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો

by Bansari Bhavsar

અમદાવાદ: શહેરના સેટેલાઇટ વિસ્તારમાં તાજેતરમાં થયેલી ૪૫ લાખ રૂપિયાની ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ અમદાવાદ શહેર પોલીસે સફળતાપૂર્વક ઉકેલી નાખ્યો છે. ઝોન-૭ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) અને સેટેલાઇટ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી આશરે ૫૦ જેટલી ઘરફોડ ચોરીને અંજામ આપનાર એક કુખ્યાત ગુનેગારને ૨૭ લાખ રૂપિયાથી વધુના ચોરાયેલા મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. આ સાથે જ પોલીસે અમદાવાદ, વડોદરા અને આણંદમાં નોંધાયેલા અન્ય ત્રણ વણઉકેલાયેલા ઘરફોડ ચોરીના ગુનાઓનો પણ પર્દાફાશ કર્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ગત તા. ૦૩/૦૩/૨૦૨૫ના રોજ સેટેલાઇટ વિસ્તારના એક બંગલામાં તસ્કરોએ પાછળથી ઘરમાં ઘૂસી ૪૫.૭૫ લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી હતી. આ ઘટનાને ગંભીરતાથી લઇને પોલીસ કમિશનર અને અન્ય ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી ઝોન-૭ ડીસીપી શિવિ વિહાટના સીધા માર્ગદર્શન હેઠળ એલસીબી અને સેટેલાઇટ પોલીસની ટીમોએ તપાસ શરૂ કરી હતી.

પોલીસ ટીમોએ ઘટના સ્થળની ઝીણવટભરી તપાસ કરી અને આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસને એક શંકાસ્પદ વ્યક્તિની ઓળખ મળી હતી, જે મહેસાણા તરફ ભાગ્યો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે અમદાવાદથી મહેસાણા સુધીના રૂટના ૩૫૦થી વધુ સીસીટીવી કેમેરા અને ટોલનાકાના ફૂટેજ તપાસ્યા હતા.

સઘન તપાસ દરમિયાન પોલીસને આરોપીની વડોદરા સાથેની કડી મળી હતી. વડોદરામાં અગાઉ પકડાયેલા ઘરફોડ ચોરીના આરોપીઓના રેકોર્ડ તપાસતા પોલીસને મહત્વની માહિતી મળી હતી. આખરે પોલીસ ટીમે બાતમીના આધારે મહેસાણાથી આરોપી અર્જુનસિંગ ઉર્ફે મીથુન વિનોદસિંગ કુમારપાલ રાજપૂત (ઉં.વ. ૨૭)ની ધરપકડ કરી હતી.

પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ગયેલા સોના-ચાંદીના દાગીના (કિંમત રૂ. ૨૫.૨૦ લાખ), રોકડ રકમ, ચાર મોબાઇલ ફોન, ચોરીના સાધનો અને ગુનામાં વપરાયેલું મોટરસાયકલ મળી કુલ રૂ. ૨૭,૦૮,૭૭૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.

પકડાયેલ આરોપી એક રીઢો ગુનેગાર છે અને તેની સામે વડોદરા તથા ગોધરામાં પણ ઘરફોડ ચોરીના અનેક ગુનાઓ નોંધાયેલા છે. તેની મોડેસ ઓપરેન્ડીમાં તે પોતાના ભાઈ સાથે વાહન પર આવી થોડે દૂર ઊભો રહી ચાલતા જઈ ઘરમાં ઘૂસી ચોરી કરતો હતો અને બાદમાં અંધારાવાળી જગ્યાએ થોડો સમય પસાર કરી ભાગી જતો હતો. પોલીસ તપાસમાં તેની ચીખલીગર ગેંગ સાથેની સંડોવણી પણ સામે આવી છે.

ઝોન-૭ એલસીબી અને સેટેલાઇટ પોલીસની આ સફળ કામગીરીથી શહેરમાં ઘરફોડ ચોરીના ગુનાઓ પર અંકુશ મેળવવામાં મદદ મળશે. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ચાલુ છે.

Related Posts