અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારની એક પ્રતિષ્ઠિત સોસાયટીની આશરે ₹2000 કરોડની કિંમતની જમીન પચાવી પાડવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાના આક્ષેપ સાથે ખળભળાટ મચી ગયો છે. છત્રપાલ સોસાયટીના રહીશોએ સિદ્ધિ ગ્રુપના બિલ્ડર મેહુલ પટેલ પર ખોટું બોલીને અને લાલચ આપીને જમીન હડપ કરવાનો કારસો રચવાનો આરોપ લગાવ્યો છે. આ અંગે રહીશોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, બિલ્ડર મેહુલ પટેલ છેલ્લા બે વર્ષથી સોસાયટીના રહીશોને આ જમીન સરકારી હોવાનું જણાવીને મકાનો ખાલી કરવા દબાણ કરી રહ્યા છે. તેમણે લોકોને નજીવા ભાડા અને અન્ય જગ્યાએ મકાન આપવાની ઓફર કરી હતી. જેના પગલે આશરે 340 પરિવારોમાંથી 300 પરિવારોએ તેમના કહેવા પર સહમત થઈને મકાનો ખાલી કરી દીધા હતા.
જો કે, જે 40 પરિવારોએ વિરોધ કર્યો, તેમને વિવિધ રીતે દબાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. રહીશોનું કહેવું છે કે બિલ્ડર દ્વારા ધાકધમકી અને અન્ય યુક્તિઓનો ઉપયોગ કરીને તેમાંથી પણ 20 મકાનો ખાલી કરાવી દેવામાં આવ્યા છે. બાકી રહેલા 20 મકાન માલિકોએ હજુ સુધી હાર માની નથી અને તેમણે ન્યાય માટે મ્યુનિસિપલ કમિશનરને ફરિયાદ કરી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે બિલ્ડરે રહીશોને ગેરમાર્ગે દોરવા માટે જમીન સરકારી હોવાનું જુઠ્ઠાણું ફેલાવ્યું હતું. પરંતુ જ્યારે રહીશોએ આરટીઆઈ દ્વારા માહિતી મેળવી તો જાણવા મળ્યું કે બિલ્ડર આ જમીનને પોતાના નામે કરાવવા માટે કોર્પોરેશનમાં વારંવાર પ્રયાસ કરી રહ્યો હતો. જો કે, કોર્પોરેશને સ્પષ્ટ ઇનકાર કર્યો હતો કારણ કે જમીન છત્રપાલ સોસાયટીના નામે નોંધાયેલી છે.
આ સમગ્ર મામલે રહીશોએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના જવાબદાર અધિકારીઓ સુધી રજૂઆત કરી છે અને બિલ્ડર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
વધુમાં એવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનના કેટલાક અધિકારીઓ પણ બિલ્ડર સાથે સાંઠગાંઠ ધરાવે છે. રહીશોનો આરોપ છે કે બાકી રહેલા 20 મકાન માલિકોને હેરાન કરવા માટે સોસાયટીમાં પાણી અને અન્ય પ્રાથમિક સુવિધાઓ બંધ કરી દેવામાં આવી હતી અને આસપાસ ગંદકી ફેલાવી દેવામાં આવી હતી. રહીશોએ માંગ કરી છે કે આ મામલે તટસ્થ તપાસ કરવામાં આવે અને જો કોઈ અધિકારીઓની સંડોવણી જણાય તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવે. હાલમાં આ સમગ્ર પ્રકરણ અમદાવાદના રિયલ એસ્ટેટ ક્ષેત્રે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.