અમદાવાદ: શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં એક લગ્નના વરઘોડા દરમિયાન હવામાં ફાયરિંગ કરનાર એક શખ્સને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી લાયસન્સવાળી પિસ્તોલ અને ખાલી કારતૂસ મળી આવ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, તા. ૨૦ એપ્રિલના રોજ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં એક વરઘોડામાં ઘોડા પર બેઠેલા વરરાજાની સામે એક વ્યક્તિ હથિયારથી ફાયરિંગ કરતો દેખાઈ રહ્યો હતો. વીડિયોની તપાસ કરતા આ ઘટના ઘાટલોડિયા પોલીસ સ્ટેશનની હદમાં બની હોવાનું માલુમ પડ્યું હતું.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર એમ.એસ.મલિકના આદેશ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ઘાટલોડિયા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પો.સ.ઇ. એચ.ડી.જોષીની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી ફાયરિંગ કરનાર આરોપી નકુમભાઈ ભીમાભાઈ રાણા (ઉં.વ. ૪૬)ને શોધી કાઢ્યો હતો. આરોપી મૂળ રાધનપુર-પાટણનો રહેવાસી છે અને હાલમાં હાસોલ વિસ્તારમાં રહે છે.
પોલીસે આરોપીની ધરપકડ કરી તેની પાસેથી લાયસન્સવાળી ૦.૩૨ બોરની પિસ્તોલ, બે ખાલી કારતૂસ અને પિસ્તોલનું લાયસન્સ જપ્ત કર્યું છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત ૫૦,૦૦૦ રૂપિયા આંકવામાં આવી છે.
ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર જે.એસ.કડોરિયાએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી અને આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આમ જાહેરમાં ફાયરિંગ કરવું એ ગુનો બને છે અને પોલીસ આવા કૃત્યોને ક્યારેય સાંખી નહીં લે તેવી કડક કાર્યવાહીનો સંદેશો પોલીસે આ ઘટનામાં આપ્યો છે.