પોલીસ હેડ કોન્સ્ટેબલના પુત્ર અંશુલ યાદવે UPSCમાં મેળવ્યો 473મો રેન્ક, પોલીસ પરિવારમાં ખુશીની લહેર

by Bansari Bhavsar

અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરેટમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સુભાષભાઇના પુત્ર અંશુલ યાદવે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા લેવામાં આવેલી સિવિલ સર્વિસીસ પરીક્ષા (CSE) 2024માં શાનદાર સફળતા મેળવી છે. અંશુલે ઓલ ઇન્ડિયા સ્તરે 473મો રેન્ક પ્રાપ્ત કરીને સમગ્ર પોલીસ પરિવારને ગૌરવ અપાવ્યું છે.

અંશુલ યાદવે તેમનો પ્રાથમિકથી લઈને ઉચ્ચતર માધ્યમિક સુધીનો અભ્યાસ અમદાવાદના શાહીબાગ સ્થિત કેન્દ્રીય વિદ્યાલયમાં પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ તેમણે દેશની પ્રતિષ્ઠિત સંસ્થા IIT – દિલ્હીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં B.Tech.ની ડિગ્રી મેળવી. તેમની મહેનત અને લગનના પરિણામે આજે તેમણે આ મોટી સિદ્ધિ હાંસલ કરી છે.

અંશુલની આ ભવ્ય સફળતાથી અમદાવાદ શહેર પોલીસ પરિવારમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. શહેરના પોલીસ કમિશ્નર શ્રી જી.એસ. મલિકે અંશુલ યાદવને તેમની આ સિદ્ધિ બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે. પોલીસ પરિવારે અંશુલની આ સિદ્ધિને તેમની સખત મહેનત અને સમર્પણનું પરિણામ ગણાવ્યું છે. આ સફળતા અન્ય પોલીસ કર્મચારીઓના બાળકો માટે પણ પ્રેરણારૂપ બની રહેશે.

Related Posts