અમદાવાદ શહેરના દાણીલીમડા પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ૧૭ કિલો ૭૯૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. જેની કિંમત ૧,૭૭,૯૦૦ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ કમિશનરશ્રી, સંયુક્ત પોલીસ કમિશનરશ્રી, નાયબ પોલીસ કમિશનરશ્રી અને મદદનીશ પોલીસ કમિશનરશ્રી દ્વારા યુવા વર્ગમાં નશાકારક પદાર્થોના સેવનની ગંભીર સમસ્યાને ધ્યાને લઇને દાણીલીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નશાકારક પ્રવૃત્તિઓ શોધીને તેને નાબૂદ કરવા સૂચના આપવામાં આવી હતી.
બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરતા લઈકહુસેન બશીરઅહેમદ અંસારી નામના શખ્સને ન્યુ ફૈસલનગર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. પોલીસે તેના કબજામાંથી ૧,૭૭,૯૦૦ રૂપિયાની કિંમતનો ગાંજાનો જથ્થો અને અન્ય મુદ્દામાલ મળી કુલ ૧,૮૩,૭૭૦ રૂપિયાનો સામાન જપ્ત કર્યો હતો.
પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે આ જથ્થો તેના ભાઈ જાવેદ ઉર્ફે બાબુ બસીરઅહેમદ અંસારીએ આપ્યો હતો, જે આ ધંધામાં તેને મદદ કરતો હતો. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે આ કેસમાં લઈકહુસેન બશીરઅહેમદ અંસારીની ધરપકડ કરી છે, જ્યારે જાવેદ ઉર્ફે બાબુ બસીરઅહેમદ અંસારી હજુ ફરાર છે. પોલીસે ૧૭ કિલો ૭૯૦ ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે, જેની કિંમત ૧,૭૭,૯૦૦ રૂપિયા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલ આરોપી લઈકહુસેન અંસારી અગાઉ પણ એનડીપીએસ અને લૂંટ, મારામારી, અને ખૂન કરવાની કોશિશ જેવા ૧૨ જેટલા ગુનાઓમાં સંડોવાયેલો છે.
આ સમગ્ર કામગીરી સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર જી.જે. રાવત, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.જે. લાધવા અને અન્ય પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.