અમદાવાદ: સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડે તાજેતરમાં એક ઘરફોડ ચોરીના ગુનાનો ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી ચોરીમાં ગયેલો રૂ. ૧,૬૦,૦૦૦નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.
પોલીસ કમિશનર અને સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર-૧ દ્વારા મિલકત સંબંધી ગુનાઓ અને ઘરફોડ ચોરીની ઘટનાઓ પર અંકુશ લાવવા અને વણઉકેલ્યા ગુનાઓનો ભેદ ઉકેલવા માટે આપવામાં આવેલી સૂચનાના પગલે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એન. ભુકણના માર્ગદર્શન હેઠળ, સર્વેલન્સ સ્કોડને ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે, પોલીસે ગોતા ચાર રસ્તાથી ઓગણજ ગામ તરફ જતા રોડ પર, બાપા સીતારામ મઢુલી પાસે જાહેર રોડ પરથી ત્રણ વ્યક્તિઓને પકડ્યા હતા. આ વ્યક્તિઓ ગોતા ચેહર એસ્ટેટમાં આવેલા એક ગોડાઉનમાં ઘરફોડ ચોરી કરીને ભાગી રહ્યા હતા.
પોલીસે પકડેલા આરોપીઓની ઓળખ સતેન્દ્ર રવિન્દ્ર કુશ્વાહ (ઉંમર ૧૮ વર્ષ, રહેવાસી ચાણક્યપુરી, અમદાવાદ, મૂળ વતન મધ્યપ્રદેશ), મુકેશ ગંભીરસિંહ કુશ્વાહ (ઉંમર ૨૪ વર્ષ, રહેવાસી નારોલ, અમદાવાદ, મૂળ વતન મધ્યપ્રદેશ), અને ગણપત ઉર્ફે પ્રકાશ મદનલાલ ચોરોટીયા (ઉંમર ૩૦ વર્ષ, રહેવાસી ચાણક્યપુરી, અમદાવાદ, મૂળ વતન રાજસ્થાન) તરીકે કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ગત તા. ૨૯/૦૪/૨૦૨૫ના રોજ સાંજે ૭:૪૫ થી ૩૦/૦૪/૨૦૨૫ના રોજ સવારે ૮:૩૦ વાગ્યાની વચ્ચે, ફરિયાદી કિશનકુમાર ગોએન્કાના ગોતા સ્થિત ગોડાઉનના પતરા તોડીને કેટલાક અજાણ્યા ચોર ઈસમો અંદર પ્રવેશ્યા હતા અને ટેબલના ખાનામાંથી રૂ. ૧,૬૦,૦૦૦ની રોકડ રકમની ચોરી કરી હતી.
પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલી રોકડ રકમ રૂ. ૧,૬૦,૦૦૦ અને ચોરીમાં વપરાયેલી એક લોડિંગ ઓટો રિક્ષા (કિંમત રૂ. ૨,૦૦,૦૦૦) સહિત કુલ રૂ. ૩,૬૦,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી મુકેશ ગંભીરસિંહ કુશ્વાહ અગાઉ ૨૦૨૨માં સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં મારામારી અને ધાકધમકીના ગુનામાં પણ સંડોવાયેલો હતો.
આ કાર્યવાહીમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એન.એસ. સિંઘ, આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર ઇન્દ્રવિજયસિંહ પ્રતાપસિંહ અને અન્ય પોલીસ કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન આ ગુના અંગે વધુ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.