માતૃભાષામાં એન્જિનિયરિંગનું શિક્ષણ નિષ્ફળ: GTU દ્વારા શરૂ કરાયેલા કોર્સ બંધ

by Bansari Bhavsar

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ માતૃભાષાને પ્રોત્સાહન આપવાના હેતુથી ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા વર્ષ 2022માં શરૂ કરવામાં આવેલા એન્જિનિયરિંગના ગુજરાતી માધ્યમના અભ્યાસક્રમો આખરે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહેસાણાની જીપેરી કોલેજમાં શરૂ થયેલા સિવિલ, કમ્પ્યુટર, મેકેનિકલ અને ઇલેક્ટ્રોનિક્સ જેવી ચાર શાખાઓમાં 30-30 બેઠકો ઉપલબ્ધ હતી, પરંતુ છેલ્લા ત્રણ વર્ષોમાં વિદ્યાર્થીઓની નહિવત્ હાજરી જોવા મળી હતી. ચોંકાવનારી વાત એ છે કે વર્ષ 2024માં તો એક પણ વિદ્યાર્થીએ આ કોર્સમાં પ્રવેશ લીધો નહોતો. આ નિરાશાજનક પ્રતિસાદને પગલે GTUએ વર્ષ 2025-26થી આ કોર્સને બંધ કરવાનો અંતિમ નિર્ણય લીધો છે.

આ અંગે વિદ્યાર્થીઓનું માનવું છે કે માતૃભાષામાં અભ્યાસ કરવો સરળ હોવા છતાં, એન્જિનિયરિંગ અને ટેકનિકલ વિષયોમાં અંગ્રેજી ભાષા વધુ મહત્વપૂર્ણ સાબિત થાય છે. તેમનું કહેવું છે કે મોટા ભાગના રિસર્ચ અને થિસિસ માટે અંગ્રેજી ભાષા અનિવાર્ય છે. આ ઉપરાંત, આજકાલ મોટી અને પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં નોકરી મેળવવા માટે પણ અંગ્રેજી એક આવશ્યક લાયકાત બની ગયું છે.

GTU દ્વારા માતૃભાષામાં એન્જિનિયરિંગનું શિક્ષણ શરૂ કરવાનો ઉદ્દેશ્ય સારો હતો, પરંતુ વિદ્યાર્થીઓની ઓછી રુચિ અને અંગ્રેજીના વધતા મહત્વને કારણે આ પ્રયાસ સફળ થઈ શક્યો નથી. આ ઘટના એ વાતનો સંકેત આપે છે કે ઉચ્ચ શિક્ષણ અને ખાસ કરીને ટેકનિકલ અભ્યાસક્રમોમાં વૈશ્વિક સ્તરે સ્વીકૃત ભાષાનું મહત્વ કેટલું વધારે છે. હવે જોવાનું એ રહે છે કે GTU ભવિષ્યમાં માતૃભાષાને પ્રોત્સાહન આપવા માટે અન્ય કયા પગલાં ભરે છે.

 

Related Posts