અમદાવાદ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડેટિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરીને યુવકોને હનીટ્રેપમાં ફસાવવાના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ કેસના મુખ્ય સૂત્રધાર કૌશલેન્દ્રકુમાર અનિલ અવધેશ સિંગની ધરપકડ કરી છે. આરોપી બિહારનો રહેવાસી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી કૌશલેન્દ્રકુમાર ટીન્ડર જેવી ડેટિંગ એપ્લિકેશન દ્વારા શ્રીમંત યુવકો સાથે સંપર્ક સ્થાપિત કરતો હતો. બાદમાં, ગેંગની એક મહિલા સભ્ય યુવકને મળવા જતી હતી અને મુલાકાત પછી યુવક પર શારીરિક શોષણનો ખોટો આરોપ લગાવીને પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપતી હતી.
આ પછી, કૌશલેન્દ્રકુમાર પોલીસ અધિકારી તરીકેનો ઢોંગ કરતો અને યુવકને ફોન કરીને જણાવતો કે તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. કેસ રફેદફે કરવા માટે મોટી રકમની માંગણી કરવામાં આવતી હતી. આ રીતે, આરોપીઓએ ફરિયાદી પાસેથી ₹1,66,00,000ની જંગી રકમ પડાવી લીધી હતી.
આ મામલે ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે બિહારના ઔરંગાબાદમાં દરોડો પાડીને મુખ્ય આરોપી કૌશલેન્દ્રકુમાર અને તેના સાથી અરુણજયકુમાર સુરેશ મધુંસિંગને ઝડપી પાડ્યા હતા.
પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને વધુ તપાસ માટે કોર્ટમાંથી ૧૭/૦૫/૨૦૨૫ સુધીના રિમાન્ડ મેળવ્યા છે.