અમદાવાદના માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુધેશ્ર્વર ગુરૂદ્રારાની બાજુમાં આવેલી જ્યુપીટરમીલની ચાલીમાં અલેશ મોઇનખાન પઠાણની ઓફિસમાં ચાલતા જુગારધામ પર PCB પોલીસે દરોડો પાડ્યો હતો. તારીખ ૧૦/૦૫/૨૦૨૫ ના રોજ કરવામાં આવેલી આ કાર્યવાહીમાં પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, મોબાઇલ ફોન અને વાહનો સહિત કુલ રૂ. ૬,૫૮,૭૮૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસે જુગાર રમતા ૧૦ આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં મુખ્ય આરોપી અલેશ મોઇનખાન પઠાણનો પણ સમાવેશ થાય છે. પોલીસ દ્વારા પકડાયેલા આરોપીઓ પાસેથી અંગજડતી અને દાવના મળીને રૂ. ૬૮,૭૮૦/- ની રોકડ રકમ મળી આવી છે. આ ઉપરાંત, પોલીસે રૂ. ૩,૩૦,૦૦૦/- ની કિંમતના ૧૦ મોબાઇલ ફોન અને રૂ. ૨,૬૦,૦૦૦/- ની કિંમતના ચાર વાહનો પણ જપ્ત કર્યા છે. જુગાર રમવા માટે ઉપયોગમાં લેવાયેલા ગંજીફાના પાના અને અન્ય સાધનો પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા છે.
માધવપુરા પોલીસ સ્ટેશન દ્વારા આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે આ જુગારધામ કેટલા સમયથી ચાલી રહ્યું હતું અને અન્ય કોણ કોણ આમાં સામેલ છે તે અંગે તપાસ કરી રહી છે. આ સફળ કાર્યવાહીથી વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.