અમદાવાદ શહેરમાં ફરી એકવાર રફતારનો કહેર જોવા મળ્યો છે. શહેરના એસજી હાઈવે પર એક મોંઘી દાટ કારે ફૂલ સ્પીડમાં એક બાઇકને ટક્કર મારી હતી અને ચાલક ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં રાહુલ ભાટિયા નામના વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે.
જ્યારે આ અકસ્માત સર્જાયો ત્યારે આસપાસના લોકો મદદ માટે એકઠા થયા હતા. તે દરમિયાન, પાછળથી એક એક્ટિવા ચાલકે અન્ય બે લોકોને ટક્કર મારી હતી. આમ, આ ઘટનામાં કુલ પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ઘટનાની જાણ થતાં તાત્કાલિક અસરથી તમામ ઇજાગ્રસ્તોને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. એસજી 1 ટ્રાફિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો લીધા છે અને વધુ તપાસ હાથ ધરી છે. ફરાર કાર ચાલકની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં વાહન ચલાવવાની બેદરકારી અને સ્પીડના જોખમને ઉજાગર કર્યો છે.