પોલીસ પરિવારના બાળકો માટે પોલીસ કમિશનરશ્રીની નવતર પહેલ: સમર કેમ્પનું આયોજન

by Bansari Bhavsar

અમદાવાદ: અમદાવાદ શહેર પોલીસ કમિશનરેટ ખાતે ફરજ બજાવતા પોલીસ અધિકારી/કર્મચારીઓના બાળકોમાં વિવિધ કૌશલ્યોનો વિકાસ થાય તે હેતુથી ઉનાળાના વેકેશનમાં સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ કમિશનરશ્રી જી.એસ. મલિક દ્વારા ગત વર્ષથી શરૂ કરવામાં આવેલ આ નવતર અભિગમ અંતર્ગત આ વર્ષે શહેરની વિવિધ પોલીસ લાઇનમાં કુલ 14 સમર કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે.

આજે પોલીસ કમિશનરશ્રીએ ઓઢવ, વટવા-ઇસનપુર, દાણીલીમડા અને મણીનગર પોલીસ લાઇન ખાતે ચાલી રહેલા સમર કેમ્પની મુલાકાત લીધી હતી. તેમણે કેમ્પમાં ચાલી રહેલી વિવિધ પ્રવૃત્તિઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી અને બાળકો સાથે સંવાદ કર્યો હતો.

પોલીસ પરિવારના બાળકોને સ્વરક્ષણ, શિક્ષણ અને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુથી આ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, બાળકોને મોબાઈલ અને ટીવીની દુનિયાથી દૂર રાખીને તેમની અંદર રહેલી શક્તિઓને બહાર લાવવાનો પણ આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ છે. કમિશનરશ્રીએ આ આયોજનોને નિહાળીને સંતોષ વ્યક્ત કર્યો હતો અને આ પ્રકારની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાની વાત કરી હતી.

આ સમર કેમ્પ પોલીસ પરિવારના બાળકો માટે એક ઉત્તમ પ્લેટફોર્મ સાબિત થઈ રહ્યા છે, જ્યાં તેઓ આનંદ સાથે નવા કૌશલ્યો શીખી રહ્યા છે.

 

Related Posts