અમદાવાદ: કપડાં ધોવાની ફેક્ટરીની ટાંકી સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગૂંગળાઈ જવાથી મોત

by Bansari Bhavsar

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલી એમ. કે. ક્રિએશન નામની કપડાં ધોવાની ફેક્ટરીમાં એક દુઃખદ ઘટના બની છે. ફેક્ટરીની ટાંકી સાફ કરવા માટે ઉતરેલા ત્રણ મજૂરોના ગૂંગળાઈ જવાથી મોત થયા છે.

આ ઘટના એમ. કે. ક્રિએશન કંપનીમાં બની છે, જે દાણીલીમડા વિસ્તારમાં આવેલી છે. ટાંકી સાફ કરવા માટે રૂપિયા 18,000નો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. ગઈકાલે સાંજે પાંચ લોકો આ કામ માટે આવ્યા હતા અને સાંજ સુધીમાં અડધું કામ પૂરું કર્યું હતું. બાકીનું કામ આજે સવારે કરવાનું હતું, જેમાં પાંચની જગ્યાએ ત્રણ યુવકો કામે લાગ્યા હતા.

સફાઈ કરતી વખતે અચાનક એક યુવાન ટાંકીમાં પડી ગયો હતો. તેને બચાવવા માટે બીજા બે યુવકો પણ અંદર ઉતર્યા હતા. પરંતુ કમનસીબે, ગેસ ગળતરના કારણે ત્રણેય યુવકોનું મોત થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કંપની છેલ્લા એક વર્ષથી બંધ હતી. પોલીસ હવે આ મામલે વધુ તપાસ હાથ ધરીને કોન્ટ્રાક્ટર અને માલિકની ધરપકડ કરશે.

દુર્ઘટનામાં મૃત્યુ પામેલા યુવાનોના પરિવારજનોએ ગંભીર આરોપ લગાવ્યો છે કે આ ઘટના ગઈકાલે રાત્રે બની હતી. તેમ છતાં, આખી રાત મૃતદેહો ટાંકીમાં પડ્યા રહ્યા અને કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.

આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

 

Related Posts