અમદાવાદ, તા. ૧૬: અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ઓટો રિક્ષામાં મુસાફરોને બેસાડી તેમની નજર ચૂકવીને રોકડની ચોરી કરતી ત્રિપુટીને ઝડપી પાડી છે. પોલીસે તેમની પાસેથી ચોરીની રકમ પણ કબજે કરી છે. આ કાર્યવાહીમાં રામોલ અને રખીયાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા બે ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, તા.૦૩/૦૫/૨૦૨૫ના રોજ રામોલ વિસ્તારમાં એક ફરિયાદી ઓટો રિક્ષામાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે આ ગેંગે તેમની નજર ચૂકવીને રૂ. ૧૮,૯૦૦ની ચોરી કરી હતી. આ જ રીતે, તા.૦૪/૦૫/૨૦૨૫ના રોજ રખીયાલ વિસ્તારમાં અન્ય એક વ્યક્તિને ઓટો રિક્ષામાં બેસાડીને રૂ. ૧૦,૦૦૦ની ચોરી કરવામાં આવી હતી.
ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે નારોલ સર્કલ પાસેથી આ ત્રણેય આરોપીઓને ગુનામાં વપરાયેલી ઓટો રિક્ષા નંબર GJ-27-TB-0134 અને ચોરી કરેલી રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા હતા.
પકડાયેલા આરોપીઓ ફૈજલખાન ફીરોજખાન પઠાણ (ઉં.વ. ૨૮), ઇરફાન મુબારક મલેક (ઉં.વ. ૨૫) અને ઇમરાનખાન નાસીરખાન પઠાણ (ઉં.વ. ૩૫) છે. પોલીસે તેમની પાસેથી કુલ રૂ. ૨૮,૯૦૦ની રોકડ અને એક મોબાઇલ ફોન પણ જપ્ત કર્યો છે.
પોલીસે જણાવ્યું કે, આ ત્રણેય આરોપીઓ અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે. ફૈજલખાન વિરુદ્ધ બાપુનગર, નારોલ, ઇસનપુર અને ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલા છે. ઇરફાન મલેક વિરુદ્ધ વટવા અને કારંજ પોલીસ સ્ટેશનમાં જ્યારે ઇમરાનખાન પઠાણ વિરુદ્ધ કાગડાપીઠ, નારોલ, શહેરકોટડા સહિત સુરતના વિવિધ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનાઓ નોંધાયેલા છે.
ક્રાઈમ બ્રાન્ચે આ ત્રણેય આરોપીઓને રામોલ પોલીસને સોંપી દીધા છે અને વધુ તપાસ હાથ ધરી છે.