અમદાવાદ: અમદાવાદના સીટીએમ ખોખરા વિસ્તારમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ સાઈટ પર કેબલ ચોરીની ઘટના પ્રકાશમાં આવતા ખળભળાટ મચી ગયો છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડના સેક્શન એન્જિનિયરે આ અંગે શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદ મુજબ, ગતરોજ તા. ૨૨ મે, ૨૦૨૫ ના રોજ સવારના ૫:૪૦ થી ૬:૧૫ વાગ્યાના સમયગાળા દરમિયાન અજાણ્યા તસ્કરોએ મેટ્રો ટ્રેકના પાવર સપ્લાય માટે ઉપયોગમાં લેવાતા આશરે ૨૦ જેટલા કોપર કેબલની ચોરી કરી છે. પ્રત્યેક કેબલની લંબાઈ આશરે ૨૫ મીટર હોવાનું જાણવા મળ્યું છે, જેના પગલે કુલ ૫૦૦ મીટર લંબાઈના કોપર કેબલની ચોરી થઈ છે, જેની અંદાજિત બજાર કિંમત નવ લાખ રૂપિયા જેટલી છે.
આ ઘટના અંગે માહિતી આપતા ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડમાં સેક્શન એન્જિનિયર તરીકે ફરજ બજાવતા ગણેશઈશ્વરકુમાર પોથુરેડ્ડીએ જણાવ્યું હતું કે મેટ્રો ટ્રેનને પાવર સપ્લાય કરવા માટે ટ્રેક પાસે અપ અને ડાઉન લાઈનમાં અગ્રણી કંપનીના કોપર કેબલ નાખવામાં આવ્યા છે.
શાહપુર પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે લોકોને આ સંદર્ભે કોઈ પણ માહિતી હોય તો તાત્કાલિક શાહપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અપીલ કરી છે.
હાલમાં આ ચોરીની ઘટનાને પગલે મેટ્રો રેલની કામગીરી પર કોઈ અસર પડી છે કે કેમ તે અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. પોલીસ આ કેસની ગંભીરતાથી તપાસ કરી રહી છે.