અમદાવાદ: નરોડા પોલીસે ગુરુવારે એક વ્યક્તિની ધરપકડ કરી છે, જે પોલીસ તરીકેનો ઢોંગ કરી રહ્યો હતો. આરોપીનું નામ મૌલિક ઉર્ફ ટીકો કંસારા છે, જેની ઉંમર 42 વર્ષ છે અને તે ખાડિયા વિસ્તારનો રહેવાસી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળતા પોલીસે સુતરના કારખાના ત્રણ રસ્તા નજીકથી મૌલિકને ઝડપી પાડ્યો હતો. આરોપી ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 308(6) અને 204 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસે આરોપી પાસેથી એક બજાજ CT 100 મોટરસાયકલ, એક વીવો મોબાઈલ ફોન અને મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજનાનું આઈ-કાર્ડ જપ્ત કર્યું છે. જપ્ત કરેલા માલની કુલ કિંમત 34,000 રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે.
આરોપી અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હતો અને ખાડિયા, મણિનગર અને એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુનાઓ નોંધાયેલા છે.
નરોડા પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.