અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ગૌવંશના પશુઓની ચોરી કરતી એક ગેંગના બે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આ આરોપીઓ શહેર તેમજ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં ગાયો અને અન્ય પશુઓની ચોરીમાં સંડોવાયેલા હતા. પોલીસે ચોરીમાં વપરાયેલી એક ફોર્ચ્યુનર કાર પણ જપ્ત કરી છે.
પકડાયેલા આરોપીઓ આસિફ ઉર્ફે કોમલ સ/ઓ અસલમભાઈ શેખ, ઉંમર ૨૮ વર્ષ અને મોહંમદ મુસ્તકીમ સ/ઓ મોહંમદ રફિક શેખ, ઉંમર ૨૧ વર્ષ છે. આ બંને આરોપીઓ વટવા પોલીસ સ્ટેશન ઉપરાંત ગુજરાત રાજ્યના અન્ય પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગૌવંશની ચોરીના કુલ ૭ ગુનાઓમાં વોન્ટેડ હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી આસિફ ઉર્ફે કોમલ શેખ વિરુદ્ધ વટવા, કલોલ, ઇન્ફોસિટી ગાંધીનગર અને સાંતેજ ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે મોહંમદ મુસ્તકીમ શેખ વિરુદ્ધ વટવા, નડિયાદ ટાઉન અને કડી પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલા છે.
ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી ફોર્ચ્યુનર કાર (નંબર GJ-01-WB-0651) પણ જપ્ત કરી છે. પોલીસે હાલમાં આરોપીઓની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓને વટવા પોલીસ સ્ટેશનને સોંપવાની પ્રક્રિયા ચાલી રહી છે.
આ ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે અને પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ ગેંગમાં અન્ય કોઈ સામેલ છે કે નહીં અને તેઓએ અત્યાર સુધીમાં કેટલા પશુઓની ચોરી કરી છે.