અમદાવાદ: કાગડાપીઠ પોલીસે રાયપુર વિસ્તારમાં જુગારધામ પર દરોડો પાડીને ૯ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી રોકડ રકમ, મોબાઇલ ફોન અને જુગારના સાધનો જપ્ત કર્યા છે.
પોલીસ કમિશનરની સૂચનાથી કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તા. ૩૦ મે, ૨૦૨૫ના રોજ પોલીસને બાતમી મળી હતી કે રાયપુર નાતાલવાલા બિલ્ડીંગ પાછળ રૂઘનાથપુરાની પીઠમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે.
પોલીસે ઘટનાસ્થળે દરોડો પાડતા જુગાર રમતા ૯ લોકોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી ૧૫,૪૧૦ રૂપિયા રોકડા, ૧૧,૦૦૦ રૂપિયાની કિંમતના ૩ મોબાઇલ ફોન અને જુગારના સાધનો જપ્ત કર્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઝડપાયેલા આરોપીઓના નામ આ મુજબ છે: ભાવેશભાઇ વાઘેલા, હિતેશભાઇ દરજી, હિરેન ચુનારા, વિજયભાઇ મકવાણા, અશ્વિનભાઇ ચુનારા, ધર્મેશ રાણા, મોહંમદમુસ્તુફા શેખ, લાલજી ચાંગેયા અને વિનેશ રાણા.
પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે અને મુકેશભાઇ ચુનારા નામના એક વોન્ટેડ આરોપીને પકડવા માટે કાર્યવાહી કરી રહી છે.
આ સમગ્ર કાર્યવાહી કાગડાપીઠ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એ. ગોહિલ અને એસ.એસ. સોલંકીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.