અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે રામોલ વિસ્તારમાંથી ગેરકાયદેસર એમ્ફેટામાઈન અને મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક મહિલા બાઉન્સર અને એક રિક્ષાચાલકને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં કુલ રૂ. ૪,૩૧,૮૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પ્રાથમિક વિગતો મુજબ, અમદાવાદના રામોલ, વિનાયકપાર્ક ત્રણ રસ્તા પાસે જાહેર રોડ પરથી એક ઓટો રિક્ષા (GJ-01-TD-6360) માં સવાર આરોપીઓ પાસેથી વગર પાસ-પરમિટનો ૩૪ ગ્રામ ૧૮૦ મિલીગ્રામ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત આશરે રૂ. ૩,૪૧,૮૦૦/- છે.
પોલીસે ડ્રગ્સના જથ્થા ઉપરાંત, બે મોબાઈલ ફોન (કિ.રૂ. ૧૦,૦૦૦/-) અને ઓટો રિક્ષા (કિ.રૂ. ૮૦,૦૦૦/-) સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પકડાયેલ આરોપીઓની ઓળખ:
* રમીઝ મોહમદ સ/ઓ નસીર મોહમદ ઉસમાનમીયા બેલીમ, ઉ.વ. ૩૦, રહે. મ.નં. ૧૨૭, મદનીનગર, જનતાનગરની પાછળ, રામોલ, અમદાવાદ શહેર.
* સીરીનબાનુ વા/ઓફ મોહમદ શરીફ મોહમદ સફી શેખ, ઉ.વ. ૨૮, રહે. મ.નં. ૫૩, મદનીનગર, જનતાનગરની પાછળ, રામોલ, અમદાવાદ શહેર.
તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી રમીઝાનને MD ડ્રગ્સ ખાવાની આદત હતી અને નશો કરવા માટે તેણે તનવીર (રહે. મદનીનગર, રામોલ, અમદાવાદ) પાસેથી ડ્રગ્સ મેળવ્યું હતું. જ્યારે આરોપી સિરીન MD ડ્રગ્સ પોતાના આર્થિક ફાયદા સારુ છૂટકમાં વેચાણ કરવા મુંબઈ ખાતેથી લાવી હોવાનું જણાઈ આવ્યું છે.
આ ગુનામાં તનવીર (રહે. મદનીનગર, રામોલ, અમદાવાદ) અને એક અજાણ્યો ઈસમ વોન્ટેડ જાહેર કરાયા છે.