વસ્ત્રાપુરમાં સ્પાના નામે ચાલતા કુટણખાનાનો પર્દાફાશ: એકની શોધખોળ, ત્રણ સામે ગુનો દાખલ

by Bansari Bhavsar

અમદાવાદ: અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચની એ.એચ.ટી.યુ (Anti Human Trafficking Unit) એ વસ્ત્રાપુર વિસ્તારમાં “બોમ્બે થાઈ સ્પા” નામના મસાજ પાર્લરમાં ચાલતા દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ મામલે સ્પાના માલિક વિરુદ્ધ ગુનો નોંધી, વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે, વસ્ત્રાપુર વિસ્તારમાં, ગુરુકુલ રોડ પર આવેલી પુષ્ટિ હાઈટ્સના પહેલા માળે, કોટક મહિન્દ્રા બેંક પાસે ચાલતા “બોમ્બે થાઈ સ્પા” માં બોડી મસાજના બહાને ગેરકાયદેસર દેહવ્યાપારનો ધંધો ચાલી રહ્યો છે. બાતમીના આધારે, ક્રાઈમ બ્રાંચની ટીમે એક ડમી ગ્રાહક અને પંચો સાથે સ્પા પર દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન, સ્પામાં દેહવ્યાપારની પ્રવૃત્તિ ચાલતી હોવાનું સામે આવ્યું હતું. જોકે, સ્પાનો માલિક આદિત્ય વિનોદભાઈ પટેલ, જે વાસણાના જય બ્રહ્માણી એપાર્ટમેન્ટમાં રહે છે, તે દરોડા દરમિયાન હાજર મળ્યો ન હતો. પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.

આ કેસમાં, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટની કલમ ૩, ૪, ૫ અને ૭ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ દરોડાની કાર્યવાહીમાં પોલીસ કોન્સ્ટેબલ કિરીટભાઈ વિરસંગભાઈ (બ.નં-૬૨૭૪), વુમન પોલીસ કોન્સ્ટેબલ મીનાબેન મહેન્દ્રભાઈ (બ.નં-૫૦૪૭), અને વુમન પોલીસ કોન્સ્ટેબલ શિવાનીબેન વિનિતકુમાર (બ.નં-૧૦૯૨૭) સહિતની ટીમ જોડાઈ હતી.

આ કાર્યવાહી પોલીસ કમિશ્નર, સંયુક્ત પોલીસ કમિશ્નર (ક્રાઈમ બ્રાંચ) અને નાયબ પોલીસ કમિશ્નર (ક્રાઈમ બ્રાંચ)ની સૂચના મુજબ કરવામાં આવી હતી, જેઓ અમદાવાદ શહેરમાં ચાલતા ગેરકાયદેસર સ્પા/બોડી મસાજ પાર્લરો સામે કાયદેસરની કાર્યવાહી કરવા પર ભાર મૂકી રહ્યા છે.

 

Related Posts