P.C.B. એ સાબરમતી રેલવે સ્ટેશન પરથી લાખોનો દારૂ ઝડપ્યો: ૫ ઝડપાયા, ૨ વોન્ટેડ

કુલ ૨૨૮ નંગ દારૂની બોટલો અને બિયરના ટીન સહિત રોકડ, મોબાઈલ ફોન, અને ટ્રોલી બેગ જપ્ત કરાયા.

by Bansari Bhavsar

અમદાવાદ, તા. ૧૮ જૂન, ૨૦૨૫ (બુધવાર): પ્રોહીબિશન ક્રાઈમ બ્રાન્ચ (P.C.B.) એ આજે સાબરમતી ધર્મનગર રેલવે સ્ટેશન નજીકથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ઓટો રીક્ષા પાર્કિંગમાં કરવામાં આવેલી આ કાર્યવાહીમાં કુલ Rs ૨,૭૫,૨૨૨/- ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ પ્રકરણમાં પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા, જેમને નોટિસ આપીને મુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય બે આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે.

P.C.B. ને મળેલી ગુપ્ત માહિતીના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન, ભારતીય બનાવટના વિદેશી દારૂની ૭૫૦ મિલી અને ૧૮૦ મિલીની બોટલો તેમજ બિયરના ટીન મળી કુલ ૨૨૮ નંગ બોટલો મળી આવી હતી, જેની બજાર કિંમત Rs ૧,૬૪,૧૧૨/- જેટલી થાય છે. દારૂ ઉપરાંત, પોલીસે Rs ૧૭,૧૧૦/- રોકડા, પાંચ મોબાઇલ ફોન (કિંમત Rs ૯૦,૦૦૦/-), અને ચાર ટ્રોલી બેગ (કિંમત Rs ૪,૦૦૦/-) પણ જપ્ત કરી હતી.

આ કેસમાં P.C.B. એ પાંચ વ્યક્તિઓની ધરપકડ કરી હતી, જેમાં રીક્ષા ચાલક અને મજૂર સહિત રાજસ્થાનના યુવાનોનો સમાવેશ થાય છે:

* કાળુભાઈ માંડણભાઈ દેસાઈ (ઉ.વ. ૬૨), રીક્ષા ડ્રાઈવિંગ, રહે. લક્ષ્મીનગર, સાબરમતી, અમદાવાદ.

* પ્રકાશભાઈ જીવણભાઈ ઓડ (ઉ.વ. ૪૬), મજુરી, રહે. મણીલાલની ચાલી, મેઘાણીનગર, અમદાવાદ.

* ઓમારામ જશારામ જાટ (ઉ.વ. ૧૯), રહે. રામનગર ગામ, ચરઈ, તા. કોસિયા, જિ. જોધપુર, રાજસ્થાન.

* સતારામ અમનારામ જાટ (ઉ.વ. ૨૧), રહે. બેરડોનો વાસ, ગામ ચરઈ, તા. કોસિયા, જિ. જોધપુર, રાજસ્થાન.

* દેદારામ નરસીંગરામ જાટ (ઉ.વ. ૨૧), રહે. રામનગર ગામ, ચરઈ, તા. કોસિયા, જિ. જોધપુર, રાજસ્થાન.

ઝડપાયેલા તમામ આરોપીઓને નોટિસ આપીને જવા દેવામાં આવ્યા છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જોકે, આ ગુનામાં સંડોવાયેલા બે મુખ્ય આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે. જેમાં રાજસ્થાનથી દારૂનો જથ્થો મોકલનાર ભગારામ નનારામ જાટ (રહે. બેરડોન વાસ, ગામ ચરઈ, તા. કોસિયા, જિ. જોધપુર) અને દારૂનો જથ્થો મંગાવનાર ચાવડા  નો સમાવેશ થાય છે. P.C.B. દ્વારા આ બંને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

Related Posts